એમનાં એ અગણિત કાર્યો પૈકી કેટલાંકની ઝાંખી,
જે બદલ લાખો લોકો તેમને સદા યાદ કરશે…

HH Pramukh Swami Maharaj

વિરક્ત આધ્યાત્મિક મહાપુરુષ હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજે સતત જીવનના નવ નવ દાયકા સુધી કર્મઠ રહીને માનવસેવાનાં અનેક ક્ષેત્રોમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. આપત્તિઓના સમયમાં માનવને બેઠો કરવાનું અને શાંતિના સમયમાં માનવને મજબૂત કરવાનું કાર્ય તેઓ અહર્નિશ કરતા રહ્યા છે. નાત-જાત, ધર્મ, દેશ-વિદેશના ભેદભાવો વિના સમસ્ત માનવજાતની સેવા માટે તેમણે જીવનની પળેપળ વિતાવી છે. પછાતોના ઉત્કર્ષથી લઈને વિશ્વશાંતિ સુધીનાં અનેક ક્ષેત્રોમાં સેવાનો અનોખો ચીલો ચાતરનાર સ્વામીશ્રીના કાર્યને બિરદાવતાં વિશ્વભરના ચિંતકો અને મહાનુભાવો તેમને એક લોકોત્તર મહાપુરુષ તરીકે ઓળખાવે છે. તેમના એવાં કેટલાંક સેવાકાર્યોનો એક આછો પરિચય મેળવીએ…

સ્વામિનારાયણ અક્ષરધામ

નવી દિલ્હી અને ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરો, ભારતીય સંસ્કૃતિનું એક સીમાચિહ્ન બની ગયાં છે. ભારતનાં પવિત્ર મૂલ્યો અને પ્રદાનો, મહાન આત્માઓ અને વ્યક્તિત્વો, પ્રચંડ પુરુષાર્થ અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ છે – અક્ષરધામ. ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિમાં સ્વામીશ્રીએ રચેલાં આ સાંસ્કૃતિક પરિસરોએ વિશ્વની આઠમી અજાયબી તરીકે અસંખ્ય લોકોનાં દિલ અને દિમાગમાં સ્થાન લઈ લીધું છે. પ્રતિ વર્ષે વિશ્વભરના લાખો દર્શનાર્થીઓને પવિત્ર પ્રેરણા આપતા આ પરિસરોના અણમોલ પ્રદાન બદલ આવનારી અનેક પેઢીઓ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરતી રહેશે.

અક્ષરધામ નિર્માણ
ગાંધીનગર: સાત વર્ષ. નિર્માણ વર્ષઃ 1979-1985. કુલ માનવ કલાક: 80 લાખ
દિલ્હી: પાંચ વર્ષ. નિર્માણ વર્ષઃ 2001-2005. કુલ માનવ કલાક: 1 કરોડ 20 લાખ
કુલ દર્શનાર્થીઓ: 183 કરતાં વધુ દેશોના કુલ દસ કરોડ કરતાં વધુ દર્શનાર્થીઓ.
ગાંધીનગર અક્ષરધામ: સાડા પાંચ કરોડ કરતાં વધુ.
દિલ્હી અક્ષરધામ: સાડા ચાર કરોડ કરતાં વધુ.

મંદિરો

મંદિરો માત્ર કર્મકાંડનાં સ્થાન નહીં, પરંતુ સંસ્કૃતિ અને લોકસેવાનાં ધબકતાં ધામ છે. પ્રમુખસ્વામી મહારાજે મંદિરોની આ પ્રાચીન ઓળખને પુનર્જીવિત કરીને આદિવાસીઓનાં ગામડાંઓથી લઈને વિશ્વનાં મહાનગરો સુધી 1100 કરતાં વધુ મંદિરોનાં નિર્માણ કર્યાં છે. મંદિરો રચીને તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સનાતન વૈદિક ઉપાસના માર્ગે માનવજાતને શાંતિ અને સુખનો રાહ ચીંધ્યો છે. દેશ અને વિદેશની ધરતી પર પરંપરાગત શૈલીનાં ભવ્ય મંદિરો રચીને તેમણે સંસ્કૃતિ તેમજ અધ્યાત્મનાં અજવાળાં વિશ્વના સાતેય સમંદરને કાંઠે પ્રસરાવ્યાં છે. આ મંદિરો દેશ-વિદેશમાં ભારતીય ગરિમાનાં ઉજ્જ્વળ ગૌરવ શિખરો બની રહ્યાં છે.

કુલ દેશો: ભારત, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, દક્ષિણ સુદાન, દક્ષિણ આફ્રિકા, મલાવી, બોટ્‌સવાના, યુ.એ.ઈ., બાહરીન, પોર્ટુગલ, બેલ્જિયમ, યુ.કે., કેનેડા, યુ.એસ.એ., ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, સિંગાપોર વગેરે.

વિદેશમાં પરંપરાગત શૈલીના પથ્થરમાંથી નિર્મિત કલામંડિત ભવ્ય શિખરબદ્ધ મંદિરો: લંડન (યુ.કે.), નૈરોબી (કેન્યા), ટોરન્ટો (કેનેડા), યુ.એસ.એ.: શિકાગો, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યૂજર્સી-રોબિન્સવિલ, લોસએન્જેલસ
વિદેશમાં કુલ મંદિરો: 125
ભારતમાં કુલ મંદિરોઃ 1000

સમાજ માટે સમર્પિત સુશિક્ષિત 1000થી વધુ સંતોનું વૃંદ

ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો છે – શાસ્ત્ર, મંદિર અને સંત. પ્રમુખસ્વામી મહારાજે ભારતીય સંસ્કૃતિના આ ત્રણેય આધારસ્તંભોને મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે. એમાંય, સુશિક્ષિત નવયુવાનોને વીતરાગની પ્રેરણા આપીને, તેમને ત્યાગાશ્રમના પથ પર પ્રયાણ કરાવીને સ્વામીશ્રીએ 1000થી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ ધરી છે, તેને ભારતનો સમગ્ર ધાર્મિક સમાજ અહોભાવની નજરે નિહાળે છે. ઘરનો ઉંબરો છોડીને, ત્યાગાશ્રમના ઉંબરે આવીને ઊભેલા નવયુવાનને ત્યાગની ઉજ્જવળ પરંપરાનો યથાર્થ પરિચય મળે, તેનો વીતરાગ અને સમર્પણભાવ વધુ સંગીન બને, તે માટે સ્વામીશ્રીએ સારંગપુર તીર્થમાં ‘સંતતાલીમ કેન્દ્ર’નો છેલ્લા ત્રણ દાયકાથી આરંભ કર્યો છે. નિઃસ્વાર્થ ભાવે સમાજના ઉદ્ધાર માટે સમર્પિત આવી અદ્વિતીય સંતશક્તિના પ્રદાન બદલ પ્રમુખસ્વામી મહારાજને ધર્મક્ષેત્રના ધુરંધરો શ્રીમદ્ આદિ શંકરાચાર્ય પછી મહિમાપૂર્ણ સ્થાન આપે છે..

સંસ્કાર અને શિક્ષણના સંગમ સમાં વિદ્યા-તીર્થો

શિક્ષણ માત્ર જીવનનિર્વાહની જ નહીં, પરંતુ જીવન-ઉદ્ધારની તાલીમ બની રહે એ માટે પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને શિક્ષણના સંગમસમાં અનેક શિક્ષણ સંકુલોની સ્થાપના કરી છે. આદિવાસી ક્ષેત્રોમાં છાત્રાલયોથી માંડીને ઇંગ્લેન્ડ સુધી અનેક નગરોમાં સંસ્કારયુક્ત શિક્ષણ આપતાં બી.એ.પી.એસ. છાત્રાલયો, બી.એ.પી.એસ. શાળાસંકુલો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો, શૈક્ષણિક તાલીમ કેન્દ્રો વગેરે સ્થાપીને સ્વામીશ્રીએ લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી ઉજાળી છે, એટલું જ નહીં, તેમને વિશ્વના એક ઉત્તમ નાગરિક બનવાની પ્રેરણા આપી છે. પવિત્ર સમાજના નિર્માણમાં પ્રમુખસ્વામી મહારાજે રચેલી આ શિક્ષણ સંસ્થાઓનું પ્રદાન નોંધપાત્ર બની રહેશે.

પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા શિક્ષણસંકુલોઃ 41 આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં સ્વામીશ્રીએ દત્તક લઈને પુનઃ નિર્માણ કરેલા શાળા-વિદ્યાસંકુલોઃ 64 પ્રમુખસ્વામી મહારાજના અનુદાનથી રચાયેલ ઉચ્ચત્તર શિક્ષણ સંસ્થાઓઃ 5

પ્રાકૃતિક આપત્તિઓમાં રાહત કાર્યો

દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ, સુનામી હોય કે ભૂકંપ, દીન-દુખિયાઓ પ્રત્યે હંમેશાં કરુણાથી છલકાતા પ્રમુખસ્વામી મહારાજે અનેક પ્રાકૃતિક આપત્તિઓમાં વિરાટ સ્તરે રાહત-સેવાઓનો હાથ લંબાવીને લાખો આપત્તિગ્રસ્તોને હૂંફ અને સધિયારો આપ્યાં છે. ઓરિસ્સા અને તામિલનાડુથી લઈને મહારાષ્ટ્ર કે ગુજરાતની કુદરતી આપત્તિઓ અને નેપાળ, આફ્રિકા કે જાપાનની દુર્ઘટનાઓમાં પણ સેવાઓનો પ્રવાહ પ્રમુખસ્વામી મહારાજે વહાવ્યો છે. અનેક ગામો દત્તક લઈને તેનું પુનઃ નિર્માણ કરીને સ્વામીશ્રીએ તે ગામોને નવું જીવન આપ્યું છે. અનેક આપત્તિગ્રસ્ત ગામોમાં શાળાઓ, વારિગૃહ, દવાખાનાંઓ જેવી સામૂહિક સેવા-સુવિધાઓનું પુનઃનિર્માણ કરવાનું કાર્ય પણ સ્વામીશ્રીએ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા નિઃસ્વાર્થ સમર્પિત અને પ્રબુદ્ધ સંતની પ્રેરણાને કારણે લાખો પરિવારનાં જીવનમાં નવી રોશનીનો પ્રકાશ ફેલાયો છે.

સેવા માટે કટિબદ્ધ હજારો યુવાનોનું સ્વયંસેવકદળ

નિઃસ્વાર્થ પ્રેમ અને પવિત્ર પ્રેરણાથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે હજારો સમર્પિત અને સેવાનિષ્ઠ યુવા-સ્વયંસેવકોની એક વિશાળ સેના સર્જી છે. આ સ્વયંસેવકો દ્વારા તેઓએ આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી લઈને માનવસેવાનાં અનેક મહેકતાં કાર્યો કર્યાં છે. દેશ-વિદેશમાં ફેલાયેલા સ્વામીશ્રીના આ હજારો સ્વયંસેવકોથી પ્રભાવિત થયેલા સૌ કોઈએ આ નિઃસ્વાર્થ સ્વયંસેવક-શક્તિ નિહાળીને અહોભાવ વ્યક્ત કર્યો છે. આ સ્વયંસેવકો કહે છેઃ અમારા માટે અવિરત અને અખૂટ પ્રેરણાનો સ્રોત છે – પ્રમુખસ્વામી મહારાજ. તેમનું જીવન એવું એક શ્રેષ્ઠ નિઃસ્વાર્થ સેવાનું ઉદાહરણ છે, જેના કારણે હજારોને સેવા કરવાની પ્રેરણા મળે છે.

પછાતો અને આદિવાસીઓના ઉદ્ધારની જ્યોતિ

ભગવાન શ્રી સ્વામિનારાયણે અંત્યજોના ઉદ્ધારની પ્રગટાવેલી જ્યોતિને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પ્રજ્વલિત રાખી છે. દલિતો, પછાત વર્ગના લોકો તેમજ આદિવાસીઓ પર નિઃસ્વાર્થ સ્નેહ વરસાવી તેઓએ એ ઉપેક્ષિતોનાં અંધકારભર્યાં જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કર્યો છે. સ્વામીશ્રીએ તેમનાં ઝૂંપડાઓમાં જઈ જઈને તેમને સ્નેહપૂર્વક સંસ્કાર્યા છે, વહેમ-વ્યસનો-અંધશ્રદ્ધાથી તેમને ઉગાર્યા છે, તેમને શિક્ષણ આપીને તેમનું જીવનધોરણ ઉચ્ચ બનાવ્યું છે, તેમને ગૌરવવંતા માનવ બનાવ્યા છે. એટલે જ એ લાખો પછાતો પ્રમુખસ્વામી મહારાજને પોતાના તારણહાર મહાપુરુષ તરીકે બિરદાવતાં આનંદનૃત્ય કરતાં ઝૂમી ઊઠે છે.

જીવનપરિવર્તનની અવિરત ગંગા

પ્રમુખસ્વામી મહારાજનાં પવિત્ર સાંનિધ્યને માણીને અનેક લોકોએ પોતાના જીવનમાં પરિવર્તનની અકલ્પ્ય ચમત્કૃતિ અનુભવી છે. કેટલાય લોકો તેઓના શ્રદ્ધામય સાંનિધ્ય માત્રથી નાસ્તિકતા ખંખેરીને આસ્તિક બન્યા છે, કેટલાય અઠંગ વ્યસનીઓનાં વ્યસનો છૂટ્યાં છે, કેટલાયના ભયાનક સ્વભાવ અહીં સહજતાથી સૌમ્ય બન્યા છે. અનેક મુમુક્ષુઓને દુર્લભ દિવ્ય અનુભૂતિ કરાવીને સ્વામીશ્રીએ તેઓના જીવનમાં આધ્યાત્મિકતા મહોરાવી છે. સ્વામીશ્રીએ અનેક પરિવારોના ઝઘડાઓ મિટાવ્યા છે, સદીઓથી અનેક નિર્દોષોના જીવન રોળતા બે જાતિસમૂહોના વેરઝેરને મિટાવીને શાંતિ સ્થાપી છે. ગાંધીનગરના અક્ષરધામ પર થયેલી આતંકવાદી ઘટના વેળાએ જગતને ક્ષમા અને શાંતિનું શ્રેષ્ઠ ઉદાહરણ આપીને સ્વામીશ્રીએ વ્યક્તિથી લઈને સમાજ સુધી શાંતિની અદ્ભુત પ્રેરણા વહાવી છે.

વ્યસનમુક્તિ આંદોલન

વ્યસનો આજના વિશ્વની સૌથી મોટી સમસ્યા બનીને ભયંકર પરિણામો નજર સામે લાવી રહ્યાં છે ત્યારે વ્યસનો સામે લડવાનું ખૂબ મોટું આંદોલન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે છેડ્યું છે. તેમણે હજારો લોકોને વ્યક્તિગત મળી મળીને વ્યસન મુક્ત કર્યા છે. અને આ ઉપરાંત, વિરાટ પાયે વ્યસનમુક્તિ યજ્ઞો, પ્રદર્શનો વગેરે દ્વારા વિરાટ પાયે માનવજાતને વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો છે. બી.એ.પી.એસ. બાળ-યુવાપ્રવૃત્તિ દ્વારા લાખો બાળકો-યુવાનોને વ્યસનમુક્ત જીવનની પ્રેરણા આપીને તેમણે એ બાળ-યુવાનો દ્વારા પણ શાળા-કોલેજોમાં વિરાટ પાયે વ્યસનમુક્તિનું આંદોલન ચલાવ્યું છે.

આરોગ્ય સેવાઓ

‘શરીરમ્‌ આદ્ય ખલુ ધર્મ સાધનમ્‌’. શરીર આધ્યાત્મિક સાધનાનું મુખ્ય સાધન છે. શરીર સ્વસ્થ હશે તો બધું જ કાર્ય સિદ્ધ થશે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે એટલે જ જાહેર આરોગ્ય-સેવાઓમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ સેવાઓ હાથ ધરી છે. આદિવાસી અને પછાત વિસ્તારોમાં દર વર્ષે લાખો દર્દીઓની નિઃશુલ્ક સારવાર આપતી મોબાઇલ બી.એ.પી.એસ. ડિસ્પેન્સરીઝથી માંડી આધુનિકતમ હૉસ્પિટલો, વિક્રમસર્જક રક્તદાન યજ્ઞો કે સારવાર યજ્ઞોથી માંડી મેડિકલ સ્પિરિચ્યુઅલ કૉન્ફરન્સ સુધી વિશાળ ફલક પર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આરોગ્યસેવાઓને વિસ્તારી છે.

કુલ હૉસ્પિટલો: 7
કુલ નિઃશુલ્ક ફરતાં દવાખાનાંઓ: 11
આજ સુધીમાં કુલ દર્દીઓની સારવાર: 90,04,769
અન્ય આરોગ્ય સેવાઓ:
રક્તદાનસેવા: 46,17,200 સી.સી. રક્તદાન
નિઃશુલ્ક રોગ નિદાન યજ્ઞ: 40,10,189
મેડિકો-સ્પિરિચ્યુઅલ કૉન્ફરન્સ: કુલ 154 કૉન્ફરન્સ, 88,022 ડૉક્ટરો.
(ડિસેમ્બર 2015 સુધીના રિપોર્ટ્સ આધારિત)

પર્યાવરણ અને પશુસેવાઓ દ્વારા જનજાગૃતિ

પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સતત ચિંતિત અને પુરુષાર્થરત પ્રમુખસ્વામી મહારાજે આ ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા તેમણે ચેકડેમ, ખેત-તલાવડી, તળાવો, જમીન સુધારણા-ગલી પ્લગિંગ, બાગાયતો, ભૂગર્ભ ટાંકાઓ વગેરે કાર્ય કરાવીને અનેક ગામડાંઓમાં પશુ, માનવી અને ખેતીને નવું જીવન આપ્યું છે. સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં રિચાર્જ થયેલા કુલ 5,500 કૂવાઓ ખેડૂતોને માટે આશીર્વાદરૂપ પુરવાર થયા છે. વૃક્ષારોપણ અભિયાન દ્વારા કુલ 20 લાખ કરતાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરાવીને તેમણે પર્યાવરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી, સૂર્ય-શક્તિનો વિનિયોગ વગેરે દ્વારા તેમણે જળસ્રોત અને ઊર્જાનું જતન કરવાની પ્રેરણા આપી છે.

તેઓના માર્ગદર્શન હેઠળ કુલ 10 ગૌશાળાઓ દ્વારા 1,500થી વધુ ઉત્તમ ઓલાદના પશુધનનું સંવર્ધન અને જતનનો પ્રયાસ કરવામાં આવે છે. આ પશુધને રાષ્ટ્રીય કક્ષાના પશુમેળાઓમાં વારંવાર સર્વોચ્ચ રાષ્ટ્રીય પારિતોષિકો મેળવીને ગૌરવ વધાર્યું છે. દુષ્કાળના પ્રસંગોએ તેઓએ મોટા પાયે હજારો પશુઓના વૈજ્ઞાનિક ઢબે કેટલ-કેમ્પ્સ યોજીને પશુઓના જતન માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે.

પારિવારિક એકતા માટે ઘરસભા

પારિવારિક એકતા અને અખંડિતતા માટે પ્રમુખસ્વામી મહારાજે જીવનભર લાખો પરિવારોને વ્યક્તિગત મળી મળીને પ્રેરણા આપી છે. પારિવારિક મૂલ્યોના જતન માટે તેમણે ઘરસભાની મૌલિક અને અદ્‌ભુત પરંપરા આપી છે. પરિવારની વૈશ્વિક સમસ્યાઓ સામે પ્રમુખસ્વામી મહારાજનું આ પ્રદાન એક અણમોલ ક્રાંતિ સર્જી શકે તેમ છે. ઘરસભા દ્વારા તેઓ પરિવારના બધા જ સભ્યોને સાથે મળીને પ્રાર્થના અને સહભોજન કરવા માટે પ્રેરે છે. તેનાથી નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય છે. નવી પેઢી પોતાની પરંપરા અને નૈતિક મૂલ્યોને આત્મસાત્‌ કરે છે. વડીલોને પણ પોતાની નવી પેઢીને સમજવાની તક મળે છે. તેનાથી બે પેઢીઓ વચ્ચેનું અંતર ઘટે છે. પરિવારના સભ્યોમાં પરસ્પર ત્યાગ, સહકાર, વિશ્વાસ અને એકતાની વૃદ્ધિ થાય છે. ઘરસભાના માધ્યમથી સ્વામીશ્રીએ હજારો પરિવારોમાં ચાલતા વિવાદોને શમાવ્યા છે અને શાંતિ અને સુખ પ્રસરાવ્યાં છે.

નિઃશુલ્ક બાળસંસ્કાર પ્રવૃત્તિ

તાલીમબદ્ધ સ્વયંસેવકોની હારમાળા દ્વારા દેશ-વિદેશમાં સાત હજાર કરતાં વધુ કેન્દ્રોમાં બાળ-બાલિકાઓને નિઃશુલ્ક સંસ્કાર-શિક્ષણ આપતી બાળપ્રવૃત્તિ વિકસાવીને પ્રમુખસ્વામી મહારાજે નવી પેઢીના જીવનઘડતરમાં અમૂલું પ્રદાન આપ્યું છે. સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, કલા-કૌશલ્ય અને અધ્યાત્મ – આ પાંચ ક્ષેત્રોમાં બાળકોના જતન માટે પ્રમુખસ્વામી મહારાજે બાળકલ્યાણનો એક મહાન યજ્ઞ આદર્યો છે. પ્રતિ વર્ષે લાખો બાળકોના વર્તમાનને સુંદર ઘડતી અને ભવિષ્યને ઉજ્જ્વળ બનાવતી આ બાળપ્રવૃત્તિનો લાભ લેનારા લાખો બાળકો આજે સિદ્ધિઓના શિખરે બેસીને પ્રમુખસ્વામી મહારાજને કૃતજ્ઞતાથી વંદે છે.

યુવાનોના વિરલ ઘડવૈયા

લાખો યુવાનોને પોતાના નિઃસ્વાર્થ વાત્સલ્યની અમૃતવર્ષામાં ઝબકોળીને પ્રમુખસ્વામી મહારાજે પ્રચંડ યુવાશક્તિને રચનાત્મક વળાંક આપ્યો છે. દેશ-વિદેશમાં ઊછરતી અને ઊછરેલી સુશિક્ષિત યુવાપેઢીને સંસ્કારથી અલંકૃત કરવા માટે, પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. યુવાપ્રવૃત્તિને જગતભરમાં વિસ્તારી છે. અનેકવિધ કૌશલ્યોથી લઈને ચારિત્ર્ય ઘડતર સુધીની તાલીમ આપતી આ યુવાપ્રવૃત્તિ ઉપરાંત સ્વામીશ્રીએ સ્થાયી ‘યુવા તાલીમ કેન્દ્ર’ ગતિમાન કર્યું છે. અહીંથી તાલીમ પામનારા હજારો યુવાનો ઉન્નત નાગરિક બનીને સમાજને પોતાનું યત્કિંચિત યોગદાન આપે છે.

સત્સંગ સભાઓની ભાગીરથી

પ્રમુખસ્વામી મહારાજનું એક આગવું પ્રદાન છે: દેશ-વિદેશમાં હજારો બી.એ.પી.એસ. સત્સંગ કેન્દ્રોમાં યોજાતી સાપ્તાહિક સત્સંગસભાઓ. ઝડપી, વ્યસ્ત અને તણાવભર્યા જીવનની ઘટમાળમાં નિયમિત સાપ્તાહિક સત્સંગ દ્વારા સદ્‌વિચારનું અમૃત પાઈને સ્વામીશ્રીએ લાખોનાં હૈયે શાંતિ પ્રસરાવી છે. સત્સંગ દ્વારા ધૈર્ય, હકારાત્મક અભિગમ, સહકાર, સેવા, પરસ્પર આદર, અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતા અને વ્યક્તિગત જીવનને સમજવાની સાચી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. પ્રમુખસ્વામી મહારાજે અસંખ્ય આબાલવૃદ્ધોનાં જીવનમાં નિયમિત સત્સંગની વસંત ખીલવીને આ ઉત્તમ મૂલ્યો સિંચ્યાં છે.

મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ

‘નારી તું નારાયણી…’ એ પ્રાચીન ભારતીય નારી-ગૌરવને પુનઃ સજીવન કરવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની મહિલાપાંખ સતત પ્રવૃત્ત છે. ભગવાન સ્વામિનારાયણે પ્રગટાવેલી મહિલા-ઉત્કર્ષની જ્યોતિને પ્રમુખસ્વામી મહારાજે સંસ્થા દ્વારા જગતભરમાં વિસ્તારી છે. આદિવાસી મહિલાઓથી લઈને વિદેશીઓ સુધી ચાલતાં હજારો મહિલામંડળો-યુવતીમંડળો-બાલિકામંડળો, મહિલાક્રાંતિની એક તેજસ્વી જ્યોતિ બની રહ્યાં છે. યુવતીઓ સંસ્કારથી સમૃદ્ધ બને, શિક્ષણથી અલંકૃત બને, વ્યવસાયે સ્વાયત્ત બને એ માટે પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા હેઠળ ‘પ્રતિભાવિકાસ પર્વ’નો એક વિલક્ષણ કાર્યક્રમ સફળ મજલ કાપી રહ્યો છે. તેનાં પરિણામોથી લાભાન્વિત મહિલાઓ પંચમહાલના પછાત વિસ્તારોથી લઈને મુંબઈ જેવાં મહાનગરો સુધી ફેલાયેલી છે.

કેળવણી સંશોધન કેન્દ્રો અને સંસ્કૃત ભાષા સંરક્ષણ

વિશ્વની અનેક ભાષાઓની જનેતા સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન માટે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિદ્વાન સંતોની એક સુદીર્ઘ શ્રેણી તૈયાર કરી છે. વિદ્વત્તાસભર સંસ્કૃત સાહિત્યના સર્જનમાં તેમણે બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા પ્રભાવક પ્રદાન આપ્યું છે. વૈદિક આધ્યાત્મિક જ્ઞાનની પરંપરામાં, શતાબ્દીઓ પછી એક વધુ મૌલિક અને વિદ્વત્તાસભર પ્રસ્થાનત્રયી ભાષ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાયું છે. ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો, સંવાદિતા, તેમજ ગહન દાર્શનિક બાબતોને વિશ્વમાં સરળતાથી પહોંચાડવા માટે સ્વામીશ્રીએ ગાંધીનગર તેમજ દિલ્હી ખાતે સ્થાપેલાં બે સંશોધન કેન્દ્રો ‘આર્ષ’ અને ‘બી.એ.પી.એસ. સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ સુંદર કાર્યો કરી રહ્યાં છે.

વિજ્ઞાન અને ટેક્નોલોજીનો મૂલ્યોના પ્રસારણમાં વિનિયોગ

વિજ્ઞાન અને ધર્મ વચ્ચે સંયોજન સાધવાની પ્રક્રિયાના ઉદ્દીપક બની રહ્યા છે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. ધર્મના ક્ષેત્રે ઉત્તમ મૂલ્યો પ્રસરાવવા માટે આધુનિકતમ ટેક્નોલોજીનો વિનિયોગ કરવાની તેઓએ પહેલ કરી છે. ચાહે ઇન્ટરનેટ હોય કે રોબોટિક્સ હોય, કલ્ચરલ બોટરાઇડ હોય કે લેસર-વૉટર શૉ હોય, મિસ્ટીક ઇન્ડિયા જેવી આઈમેક્સ ફિલ્મ હોય કે અન્ય આધુનિકતમ પ્રયોગ હોય, ઉત્તમ મૂલ્યોના પ્રસારણ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો આવો રચનાત્મક ઉપયોગ નિહાળીને જગતના પ્રખર વિજ્ઞાનીઓ પણ સ્વામીશ્રીને બિરદાવે છે.

કેળવણીના અદ્ભુત માધ્યમઃ મહોત્સવો

મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનના પ્રખર નિષ્ણાતો પ્રમુખસ્વામી મહારાજના સંચાલન-કૌશલ્ય પર વારી જાય છે. સ્વામીશ્રીએ મેનેજમેન્ટ નિષ્ણાતો દંગ રહી જાય એવા ભવ્યાતિભવ્ય મહોત્સવો ઊજવીને એક આગવો ચીલો ચાતર્યો છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનો વિજય ડંકો વગાડતા ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ના આયોજક તરીકે કે ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવો, બાળ-યુવા મહોત્સવો, મંદિર મહોત્સવો વગેરે ઊજવીને તેઓએ સમાજ કેળવણીના અદ્‌ભુત માધ્યમ તરીકે મહોત્સવોને વિકસાવ્યા છે. કરોડો લોકોમાં અનેક દૂષણો સામે જાગૃતિનો શંખ ફૂંકતા જાહેર સંસાધન સમા એ મેગા મહોત્સવો સ્વામીશ્રીનું આગવું પ્રદાન બની રહ્યાં છે.

પ્રાચીન ભારતીય કલા, શિલ્પ અને સ્થાપત્યનું નવસર્જન

શ્રેષ્ઠ સ્થાપત્યો, શિલ્પો, પ્રદર્શનો, ચિત્રો વગેરે અનેક માધ્યમોમાં ભારતીય કલાના વારસાને જીવંત રાખીને પ્રમુખસ્વામી મહારાજે લાખો લોકો સુધી આધ્યાત્મિક અને પ્રેરક સંદેશ વહાવ્યો છે. સેંકડો મંદિરો અને અક્ષરધામ જેવાં વિરલ સ્થાપત્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે પ્રાચીન ભારતીય સ્થાપત્યકલાને પુનર્જીવિત કરી છે. અહીં માત્ર કલાને ખાતર કલા નથી, પરંતુ કલા પાછળ એક મહાન ઉદ્દેશ ઝળહળે છે. પ્રમુખસ્વામી મહારાજે રચાવેલાં અદ્‌ભુત સ્થાપત્યોને નિહાળીને દેશ વિદેશના અનેક સંવેદનશીલ સ્થાપત્યવિદોનો આત્મા રણઝણી ઊઠ્યો છે.