એમનાં એ સરળ પ્રેરણાવચનો,
જેમાં એમના આધ્યાત્મિક અનુભવોની સુવાસ છે…
પ્રમુખસ્વામી મહારાજ એક એવા વિરલ ગુરુ છે કે જેઓ બોલે બહુ ઓછું, પરંતુ જ્યારે મુખ ખોલે છે ત્યારે એમાંથી સરતાં શાશ્વત સત્યોમાં માનવજાતને ઉદ્ધારવાનું સામર્થ્ય અનુભવાય. નહીં કોઈ શબ્દોની ઝાકઝમાળ, નહીં શબ્દોના આડંબર, કે નહીં પોતાના અસ્તિત્વની સભાનતા. એટલે જ તેઓ વાણી ઉચ્ચારે ત્યારે પરાવાણીની અનુભૂતિ વહેવા લાગે. પરમાત્મામય સ્વામીશ્રીની ધીર, ગંભીર અને ગંગાના શાંતપ્રવાહની જેમ વહેતી વાણીમાં અનુભવનું ઊંડાણ છે. એટલે જ એ વાણીએ અસંખ્ય પતિતોને પાવન કર્યા છે, લાખોની જીવનવાટિકાને લીલીછમ કરી છે, અનેકની ક્ષુલ્લકતાને મહાનતામાં બદલાવી છે, હતાશ લોકોનાં જીવનમાં ઊજ્જ્વળ શ્રદ્ધાનો પ્રકાશ પાથર્યો છે, કેટલાયનાં જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો છે, અનેકના અહંકારનો પડદો ચીરીને પરમાત્માના દિવ્ય આનંદને માણવાનું સદભાગ્ય આપ્યું છે.
તેમની અનુભવપૂત વાણીમાં ધર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે આધ્યાત્મિક વિષયો ઉપરાંત બાળસંસ્કાર, પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રધર્મ, ઘરસભા, વાણીવિવેક જેવા રોજબરોજના જીવનવ્યવહારનાં મહત્ત્વનાં પાસાંઓ પર પણ અદ્ભુત માર્ગદર્શન છે.
- જો માણસ સુધરશે તો કુટુંબ સુધરશે. કુટુંબ સુધરશે તો સમાજ સુધરશે. સમાજ સુધરશે તો દેશ સુધરશે. દેશ સુધરશે તો બ્રહ્માંડ સુધરશે. એટલે પહેલાં આપણે સુધરો. માણસ ધારે તો શું નથી થતું? પગે ચાલતો હતો ને પ્લેનમાં ઊડતો થઈ ગયો, ચંદ્ર ઉપર પણ ગયો. એમ માણસ ધારે તો સુધરી પણ શકે.
- આત્મા તેજસ્વી અને પ્રકાશમાન છે. એ આત્માના સ્વરૂપનું જ્ઞાન થશે ત્યારે દુનિયામાં બધું જ સારું લાગશે. કારણ કે એ પ્રકાશ જ એવો છે કે એમાં સર્વનું સારું જ દેખાય.
- જેમ મલ્લો દરરોજ કુસ્તી કરે તો મજબૂત થાય; પોલીસખાતામાં રોજ લેફ્ટ-રાઇટ કરવું પડે; એમ કથાવાર્તાનો અખાડો હોય તો માણસનું ઘડતર થાય અને જ્ઞાન સિદ્ધ થાય છે.
- પૈસાટકા, સમૃદ્ધિ કે કપડાં એ આપણી શોભા નથી, એ તો શરીરની શોભા છે. આપણી શોભા ભગવાન ને સંત મળ્યા એ છે.
- માણસ ગમે એટલું કરે, પણ ભગવાનની કૃપા ન થાય તો એનું કામ અધૂરું જ રહે.
- ભગવાનની આજ્ઞાઓનું યથાર્થ પાલન કરીએ તો આપણને અંતરે શાંતિ રહે, બહાર પણ શાંતિ રહે.
- ગમે તે કાર્ય કરો પણ પ્રથમ એકાગ્ર થવાની જરૂર છે. જે કાર્ય કરવું એનું જ નિશાન. ભગવાનને રાજી કરવા છે તો ખાતાં-પીતાં, નાહતાં-ધોતાં એક જ વૃત્તિ રહેવી જોઈએ.
- પૂજા કરવા બેસીએ અને ટેલિફોન આવ્યો એવું ન થવું જોઈએ. ગમે તે લાઈનમાં જાવ પણ એકાગ્રતા વગર કશું જ સિદ્ધ થતું નથી. જે જે ભક્તો એકાગ્ર થયા છે એના ઉપર ભગવાન રાજી થયા છે.
- લોકોને તિલક-ચાંદલો કરતાં શરમ આવે છે, પણ નાટક-ચેટકમાં જઈને નાચગાન કરવામાં શરમ નથી આવતી. છોકરો થઈને છોકરીનાં કપડાં પહેરે તોય શરમ નથી આવતી, ને ભગવાનની આજ્ઞાનો ચાંદલો કરવામાં શરમ આવે છે. જો તિલક-ચાંદલો કરીએ તો આપણને અંતર્દૃષ્ટિ થાય કે આપણાથી ખોટું થાય નહીં, દારૂ પીવાય નહીં, હૉટલ કે સિનેમામાં જવાય નહીં.
- નિયમ-ધર્મની દૃઢતા એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આપણા વિકાસનું મુખ્ય કારણ છે.
- ગમે એટલાં તપ, વ્રત, દાન કરીએ તો એનાથી પુણ્ય વધે, અને એવાં અનંત પુણ્ય ભેગાં થાય ત્યારે પ્રગટની પ્રાપ્તિ થાય છે.
- સંસાર-વ્યવહારમાં તડકા-છાંયડા આવવાના જ છે. દુઃખ, મુશ્કેલી બધું જ થશે. ભગવાન અને સંત મળ્યા છે તો પણ દુઃખ આવશે, પણ એમાં જો આત્મજ્ઞાન અને સમજણની દૃઢતા કરશો તો તડકો જતો રહેશે અને ટાઢક થશે, શાંતિ થશે. પછી તડકા અને છાંયડામાં સરખું લાગશે. બંનેમાં આનંદ રહેશે અને ભગવાનની ભક્તિ કરીને સુખિયા રહેવાશે.’
- ભજન કરવું, કથાવાર્તા કરવી કે સેવા કરવી એમાં ભગવાન પ્રસન્ન થાય એટલું જ માગવું. એમાં બધું આવી જાય.
- કારણ કે ભગવાનને આપવું હોય વધારે ને આપણે માગીએ થોડું તો આપણને ખોટ જાય. એટલે ભગવાનની પ્રસન્નતામાં બધું જ મળે છે. આ લોકના સંસાર-વહેવારમાં પણ શાંતિ મળે છે ને છેવટે અક્ષરધામનું શાશ્વત સુખ મળે છે. એટલે ભગવાનના રાજીપામાં ધાર્યું હોય એના કરતાં વધારે મળી જાય છે.
- લોખંડ છે એ લાકડાની સાથે જડાઈ જાય તો પાણીમાં તરે છે, પણ એકલું લોખંડ નાખો તો ડૂબી જાય. એમ ભગવાન અને સંતને વિષે આત્મબુદ્ધિ થઈ જાય તો બેડો પાર થઈ જાય.
- ગમે તે ધર્મમાં માનતા હો પણ સદાચારી બનો. સારું આચરણ કરશો તો તમે સુખી થશો, કુટુંબ સુખી થશે, સમાજ સુખી થશે. જીવનમાં નાનું-મોટું કોઈપણ પ્રકારનું વ્યસન ન રાખવું.
- પ્રવૃત્તિ ને કામકાજ તો છે જ, પણ સાંજે બેસીને ઘરમાં ભગવાનની વાત કરવી, મંદિર કરવું, સંસ્કારો સચવાય એ માટે ભગવાનને રોજ પ્રાર્થના કરવી. ઘરમાં સારાં પુસ્તકો અને શાસ્ત્રોનું વાચન કરવું.
- કોઈના માટે કરી છૂટવું, કોઈને સહકાર આપવો, એ મોટું પુણ્ય છે.
- ભગવાનનો સંબંધ જેને જેને થયો એ નિર્ગુણ કહેવાય. ભગવાન માટે જે જે કરીએ એ આપણા આત્માના ઉત્કર્ષ માટે અને આત્માની શાંતિ માટે થાય છે.
- વિશ્વાસે વહાણ ચાલે છે. વિશ્વાસે આ લોકનું કામ થાય છે. તો એવો જ વિશ્વાસ ભગવાનમાં, શાસ્ત્રોમાં, મંદિરોમાં અને સંતમાં હોય તો આપણું કામ બરોબર થઈ જાય.
- આજ્ઞા અને ઉપાસના દૃઢ હશે તો દુનિયામાં ગમે ત્યાં જશો તોય વાંધો નહીં આવે ને સારામાં સારું જીવન જીવી શકશો.
- ઠંડી છે ને સ્વેટર પહેરીએ તો ઠંડીથી રક્ષણ થાય છે, એમ જો આત્મજ્ઞાન હોય તો પછી ‘આ દેહ મારો નથી; આ નાત કે જાત મારી નથી; હું તો આત્મા છું, અક્ષર છું;’ એ વિચાર રહે. અને એ વિચાર કરીએ તો દુનિયાના શબ્દો લાગે જ નહીં.
- કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા સિવાય સત્સંગ કરીએ તો ભગવાન આપણા આ લોક અને પરલોક બેય સુધારે છે.
- આ લોકના વ્યવહારમાં સુખ નથી, પણ જ્ઞાનની દૃષ્ટિ પ્રાપ્ત થાય તો વહેવારમાં હશો તોય વાંધો નહીં આવે.
- બ્રહ્મરૂપ થવા માટે ભીડો વેઠવો જ પડશે અને સહન કરવું જ પડશે.
- ઘરમાં કોઈ એક વ્યક્તિ ખોટે રસ્તે ચડી એટલે આખું ઘર ખોટું થઈ ગયું ? ગામમાં બે માણસો ખરાબ નીકળે તો આખું ગામ ખરાબ થઈ ગયું ? સ્કૂલમાં બે માસ્તરો ખરાબ નીકળે તો આખી સ્કૂલ ખરાબ થઈ ગઈ ? કોઈ ડૉક્ટર એવા નીકળે તો દવાખાનાં જ ન જોઈએ એવું કહીએ છીએ ? પોલીસોમાં કોઈ ખરાબ હોય તો એમ કહીએ છીએ કે બધાને કાઢી મૂકો ? સમાજમાં પણ બે-પાંચ એવા હોય તો આખો સમાજ ખરાબ થઈ જતો નથી. એમ ધર્મના કામમાં એવું ક્યાંક લાગ્યું હોય, સાંભળ્યું હોય, એણે કરીને ધર્મ ખોટો થઈ જતો નથી. આ તંત્ર ભગવાન અને એવા સંતો થકી ચાલે છે – એ વાત સાચી માનીને એમના તરફ આદર રાખો. ભલે, તમે એમના શિષ્ય ન બનો, પણ સારું છે એટલું માનીને ચાલશો તો શાંતિ અને સુખ થશે.
- ‘ભગવાન બધે જ છે, બધે વ્યાપેલા છે, એમ જીવ-પ્રાણીમાત્રમાં પણ રહે છે.’ આ જ્ઞાન દૃઢ થાય તો પછી બીજાને દુઃખી કરવાનું રહે જ ક્યાં ? બીજાને મારવા જઈ શકાય જ કેમ ? બીજાના પૈસા શું કામ લૂંટવા જોઈએ ? બીજાને શું કામ હેરાન કરીએ ? તમારા ઘરમાં ક્લેશ શા માટે થાય ? સમાજમાં ક્લેશ શા માટે થાય ? દરેકમાં ભગવાન જુએ તો બધું જ દિવ્ય દેખાય અને ખોટું થાય જ નહીં, રાગ-દ્વેષ પણ થાય નહીં.
- ચંદ્ર ઉપર માણસ ગયો એ સાંભળ્યું છે, વાંચ્યું છે, પણ જોયું છે ખરું ? અહીં બેઠા છે એમાંથી કોઈએ જોયું નહીં હોય ! ફક્ત સાંભળ્યું જ છે, છતાં બધાને વિશ્વાસ છે કે ચંદ્ર ઉપર માણસ ગયો જ છે, કારણ કે વૈજ્ઞાનિકોએ કહ્યું. વૈજ્ઞાનિકમાં વિશ્વાસ છે એટલે વાત માની લીધી. વૈજ્ઞાનિકોની વાત સાચી માનીએ છીએ, એ જ રીતે શાસ્ત્રમાં લખેલી વાત પણ સત્ય-સનાતન છે. એમાં જે લખ્યું છે એ સત્ય છે. આ રીતે વિશ્વાસ રાખવો.
- આપણું જીવન આપણે સારું બનાવીએ તો દુનિયા સારી જ છે.
- સારા કાર્યમાં કે કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે, પણ જો દૃઢતા હોય, ભગવાનમાં નિષ્ઠા હોય, આત્મવિશ્વાસ હોય અને ભગવાન ને ભગવાનના સંતનું બળ હોય તો કામ થાય જ છે. જેને ભગવાનનું બળ છે, એને બીજું કોઈ કાંઈ કરી શકશે નહીં. સર્વથી શ્રેષ્ઠ ઇષ્ટબળ છે. જેના પક્ષમાં ભગવાન છે એનો વિજય જ છે.
- ભગવાન અને સંતને ખરેખર સમજ્યા હોઈએ તો સંશય થાય જ નહીં. ડૉક્ટર દવા આપે છે એમાં સંશય થાય છે ? સ્કૂલમાં શિક્ષક જે કહે એ માની જ લઈએ છીએ. એમાં વિશ્વાસ છે તો શંકા થતી નથી. એમ વિશ્વાસ રાખીને મંડવું. પણ જ્યાં સુધી આપણું અજ્ઞાન છે ત્યાં સુધી આ બધા સંશયો થવાના જ.
- લોકો કહે છે કે ‘પૈસાવાળો સુખી.’ વળી કોઈ કહે છે કે ‘બુદ્ધિવાળા સુખી.’ પણ બુદ્ધિ આપનાર કોણ છે ? એ બુદ્ધિ મૂળ આવી ક્યાંથી ? તમારામાં બુદ્ધિ આવવાનું મુખ્ય કારણ શું છે ? તમારામાં આત્મા છે એટલે. જો આત્મા છે તો વિચાર કરી શકો છો, હાલો છો, ચાલો છો, બોલો છો. હું વાત કરું છું ને તમે સાંભળો છો. પણ એક આત્મા આ શરીરમાંથી ચાલ્યો જાય તો ? ‘ડેડ બોડી.’ ‘રામ બોલો ભાઈ રામ.’ પછી કોઈ બોલશે કે કોઈ બોલાવશે ? કોઈ ભણશે કે કોઈ ભણાવશે ? એ તો અંદર આત્મા છે એટલે બધું છે. આત્મા છે તો એનો આનંદ છે. દરેકમાં આત્મા છે તો એકબીજાને જોવાનો, મળવાનો, હળવાનો આનંદ છે.
- એક મોટો માણસ હોય એને નાના માણસ પાસે જતાં શરમ આવે. ત્યાં એનો પ્રોટોકોલ બગડી જાય. પણ સર્વથી શ્રેષ્ઠ ભગવાન છે, મોટા છે, છતાં એમને પ્રોટોકોલ જેવું છે જ નહીં, કારણ કે એમને દરેકનું કલ્યાણ કરવું છે, દરેકને સુખી કરવા છે, એ જ એમનું કાર્ય છે. એટલે એમને પ્રોટોકોલ નડતા જ નથી. જો ભગવાન પ્રોટોકોલમાં રહે તો આપણું કલ્યાણ જ ન થાય.
- અહીં આપણે કેટલુંક લેવા ને કેટલુંક મૂકવા આવ્યા છીએ. લેવું શું ? જ્ઞાન, ભક્તિ વગેરે સદ્ગુણો; અને મૂકવું શું ? સ્વભાવ, દોષ, અજ્ઞાન અને આસક્તિ.
- દેહ અને દેહના સંબંધીમાં જેવી પ્રીતિ છે એવી ભગવાન અને સંતમાં કરવી, તો આપણું અજ્ઞાન ચાલ્યું જાય.
- આ દુનિયા એકબીજા સાથે ઝઘડીને, યુદ્ધ કરીને દુઃખી થાય છે. યુદ્ધ કરવું તો કોની સાથે ? તો આપણાં જ ઇન્દ્રિયો, અંતઃકરણ – મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ જગત, માયા, સંસાર, મારું-તારું એ બધાંની સાથે આપણે લડવાનું છે.
- દુનિયામાં રહીએ છીએ અને જવાબદારી છે એટલે વ્યવહાર તો કરવો પડે, પણ ભગવાનને ભૂલીને નહીં.
- મન સાથે લડાઈ લઈને એને જીતવાનો એક જ ઉપાય છે : ભગવાન અને ભગવાનના ભક્તોની કથા.
- દુનિયાનાં મનોરંજન ક્ષણિક છે, ઘડીકનાં છે, પણ ભગવાનમાંથી જે આનંદ આવે છે એ અલૌકિક છે અને કાયમ છે.
- આ શરીર સાથે બધું જ જતું રહેવાનું છે, પણ એ જ્ઞાન નથી એટલે આસક્તિ મુકાતી નથી.
- ભગવાન પરાયણ થઈને જે કર્મ થશે એનું બંધન થશે નહીં ને મોક્ષ થશે.
- જે સાચું છે એ ખોટું મનાય છે ને જે ખોટું છે એ સાચું મનાય છે એનું નામ મોહ. એ મોહ છૂટે એનું નામ મોક્ષ.
- આજે ઘરમાં મંદિરની જગ્યાએ ટી.વી. આવી ગયું છે. જેમ મંદિરની સામે બેસીને પહેલાં સૌ પ્રાર્થના કરતાં, એમ આજે મા-બાપ હોય, દીકરો-દીકરી હોય, વહુઓ હોય કે એના દીકરાઓ હોય બધાં ટી.વી.ની સામે બેસી જાય છે. આ ટી.વી.માં શું આવે ? મારામારી, ધમાલ, ચોરી, વ્યભિચાર કરવો, દારૂ પીવો, જુગાર રમવો. આ સંસ્કાર સૌમાં પડે પછી આબરૂ, પ્રતિષ્ઠા, પૈસા, સમૃદ્ધિ અને ખાનદાની બધું ગુમાવે. એની જગ્યાએ જો મંદિરમાં સાથે બેસીને સૌ પ્રાર્થના કરે તો શાંતિ મળે, ભક્તિ થાય, સંસ્કારો આવે અને સારા વિચારો આવે.
- ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્ત માટે સર્વસ્વ સમર્પણ કરવું એ બહુ મોટી સેવા છે.
- પૃથ્વી પર પરમાત્માનું જે પ્રગટ સ્વરૂપ હોય એની ભક્તિ આપણે કરીએ તો આત્યંતિક કલ્યાણ થાય.
- હું ને મારું જ્યાં મનાયું છે ત્યાં દુઃખ થવાનું જ છે; પણ ‘બધું ભગવાનનું છે, મારું કશું જ નથી,’ એમ મનાય તો દુઃખ જ ન થાય.
- ભોગેરોગભયમ્। જેટલો વૈભવ ભોગવો એટલો રોગ અને એટલી અશાંતિ.
- શાંતિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ બહારના પ્રયત્નથી શું વળે ? અંદરની ખોટી ભાવનાઓ નીકળે તો જ શાંતિ થાય, કારણ કે અંદરની ખોટી ભાવનાઓને લઈને જ રાગ-દ્વેષ અને અનર્થ થાય છે.
- જેણે સહન કર્યું એની ગાથાઓ ગવાય છે, પણ જેણે મમત્વ કરીને ધમાલ કરી એની ગાથાઓ ગવાતી નથી.
- આપણે પંચવિષય ભોગવવામાંથી ઊંચા આવતા નથી, એટલે ભગવાનનું સુખ આવતું નથી.
- પરોક્ષની ભક્તિથી સંસ્કાર ઉદય થાય, પણ મૂળ અજ્ઞાન તો પ્રત્યક્ષ ભગવાન અને એના બ્રહ્મનિષ્ઠ સંત મળે તો જ ટળે અને મોક્ષ થાય.
- કેટલાક કહે છે કે ‘મને ટાઇમ નથી,’ પણ નાહવા-ધોવામાં કેટલો ટાઇમ કાઢે છે ? કોઈ મોટા માણસ આવ્યા હોય તો પણ ટાઇમ કાઢવો જ પડે છે ને ? તો જેણે આપણને આ શરીર, બુદ્ધિ, શક્તિ આપ્યાં અને જેને કારણે ભણ્યા-ગણ્યા, ડિગ્રીઓ લીધી; એન્જિનિયર, સાયન્ટીસ્ટ અને ઉદ્યોગપતિ થયા; એ ભગવાન માટે સમય ન અપાય ? ભગવાને આપણને બુદ્ધિ-શક્તિ ન આપી હોત તો શું કરત ? હાથ-પગ ન આપ્યા હોય તો શું કરત ? વાણી આપી ન હોત તો શું બોલી શકત ? કાન આપ્યા ન હોત તો શું સાંભળી શકત ? ભગવાને જેવું આપ્યું છે એવું બીજું કોઈ આપી શકે એમ નથી. માટે એમનો ઉપકાર ભૂલી ન જવો. ભગવાનને ભૂલી જઈએ તો આ શરીરનો શું ઉપયોગ ?
- જેટલી આજ્ઞાનો લોપ એટલો પ્રભુનો કોપ.
- સત્સંગ અને ભગવાનની નિષ્કામ ભક્તિ વિના આપણો મોહ જતો નથી.
- ભગવાનનો સંગ એટલે એમને વિષે નિષ્કામ ભક્તિ.
- આપણો અંગત મિત્ર હોય અને એ આપણને ઝેર આપે તો લઈએ ખરા ? ઝેર આપણે જોયું નથી કે પીધું પણ નથી, તો પણ ખોટું મનાઈ ગયું છે કે ‘ઝેર પીએ તો નક્કી મરી જ જવાય.’ એમ કુસંગ છે એ ઝેર છે. ‘દારૂ, તમાકુ, વ્યભિચાર, જુગાર એ ઝેર છે’ એવું જીવમાંથી સમજાય તો એનાથી દૂર થવાય.
- ગમે એટલાં વ્રત, દાન, પુણ્ય અને બીજાં સાધનો કરીએ, પણ જ્યાં સુધી નિર્દોષભાવ ન થાય ત્યાં સુધી એ સાધનો કામ નહીં કરે.
- સૂર્ય ઉદય થાય તો અંધકાર ચાલ્યો જાય, એમ ભગવાન પ્રગટ થાય તો માયાનો અંધકાર જતો રહે અને સુખિયા થવાય. માટે આપણે ભગવાનનું સ્વરૂપ સદા નિર્દોષ, સર્વોપરિ, સર્વ અવતારનું અવતારી સમજવું. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર સમજવા. ‘એમાં કોઈપણ દોષ કે માયા છે નહીં’ એમ સમજીને ભજન કરવું, તો આપણામાંથી માયા જશે ને દોષ જશે ને સુખિયા થવાશે. માટે આ રીતે મહારાજ ને સંતનું સ્વરૂપ યથાર્થ સમજીને, આપણા દોષો-સ્વભાવો ટાળીને સત્સંગ કરીએ તો આપણને પણ શાંતિ થાય.
- દરેક માણસે પોતાનો એક વિરોધી તો રાખવો જ જોઈએ. વિરોધથી શક્તિ વધારે મળે અને જાગ્રત રહેવાય.
- જ્યાં સુધી મમતા, આસક્તિ અને મોહ છે ત્યાં સુધી મુક્તિ થતી નથી.
- દરેક વ્યક્તિને એમ રહે છે કે ‘જે કંઈ સારું થાય એ મારું જ થાય, બીજાનું ન થાય.’ એને કારણે તકરાર થવાની જ. પણ જો બધાને સારું સુખ મળે તો ? બધાને સારી વ્યવસ્થા મળે તો ? ક્યાં દુઃખ છે ? પણ બીજાનું સારું લોકો જોઈ શકતા નથી. એને લીધે મારામારી થાય છે. જો આપણે પ્રાર્થના કરીએ કે ‘ભગવાન સર્વને સુખી કરે.’ તો એમાં આપણે પણ સુખી થઈએ જ છીએ ને ! બીજાનું સારું ઇચ્છીશું તો બીજા આપણું સારું ઇચ્છશે.
- મૃત્યુ નિશ્ચિત છે. મંદવાડથી કે અકસ્માતથી અનેક રીતે મૃત્યુ આવે છે. એટલે મૃત્યુને જાણી રાખો તો સતત સાવધાન રહેવાય.
- ભગવાનમાં વૃત્તિ કરવા માટે, બીજા વિષયોમાંથી વૃત્તિ પાછી વાળવા માટે, અને સુખ-દુઃખમાં સમતા કરવા માટે શાસ્ત્રોનું વાંચન, મંદિરોનાં દર્શન અને સંતોના સમાગમની આવશ્યક્તા છે.
- દેહના સામાન્ય રોગમાં પણ ખાવા-પીવા કે જોવાની આસક્તિઓ ટળી જાય છે, તો જો ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જાય તો બધી આસક્તિઓ નીકળી જાય ને બ્રહ્મરૂપ થઈને સુખિયા થવાય.
- બહુ ગરમી લાગી હોય અને વૃક્ષ નીચે જઈને બેસીએ અથવા તો પાણીમાં જઈએ તો કેવી ઠંડક લાગે છે ? એમ ભગવાનના મંદિરમાં આવવાથી, દર્શન કરવાથી અને કથા સાંભળવાથી શાંતિ થાય છે.
- મહિમાથી સેવા કરીએ એટલું સુખ અંતરમાં રહે.
- એક વાર શ્રીજીમહારાજે પરમહંસોને બોલાવ્યા અને પૂછ્યું : ‘તમે શું કરી શકો ?’ ત્યારે પરમહંસોએ કહ્યું કે ‘આપ જે કહો એ બધું જ કરીએ.’ આ સાંભળીને મહારાજ કહે : ‘એ બધું તો તમે કરી જ શકો છો, પણ મારે તમને જે વાત સમજાવવી છે એ જુદી છે. મૂળ હું અને મારું (અહં અને મમત્વ) ટાળવાનું છે અને આપણા સ્વરૂપને ચૈતન્યરૂપ માનવાનું છે. ચૈતન્ય એટલે અક્ષરબ્રહ્મ. આપણું સ્વરૂપ એ છે. જેમ આ શરીરમાં આત્મબુદ્ધિ, મમતા અને આસક્તિ છે, એ બધું ટાળીને આત્માને ચૈતન્યરૂપ માનવાનું છે. ‘આપણે આત્મા છીએ, અક્ષર છીએ’ એમ માનીને કાર્ય કરશો તો તમને કોઈ બંધન થશે નહીં. ભલે બધા વૈભવમાં રહો ને બધા કાર્ય કરો, પણ આ જ્ઞાન અને આ સમજણની સાથે રહેશો તો કોઈ બાધ આવશે નહીં. ગૃહસ્થ હોય કે ત્યાગી હોય પણ આ સમજણ દૃઢ હોય તો વાંધો ન આવે. એટલે આ આત્મજ્ઞાનનું અખંડ અનુસંધાન રાખવું.
- હમણાં આપણે બધા તડકામાં બેઠા હતા. એ ઘડીએ કેવું લાગ્યું ? અકળામણ અને દુઃખ લાગ્યાં ને ? પણ પછી છાંયડો આવ્યો તો શાંતિ થઈ ગઈ. એમ સંસાર-વ્યવહારમાં તડકા-છાંયડા આવવાના જ છે. દુઃખ, મુશ્કેલી બધું જ થશે. ભગવાન અને સંત મળ્યા છે તો પણ દુઃખ આવશે, પણ એમાં જો આત્મજ્ઞાન અને સમજણની દૃઢતા કરશો તો તડકો જતો રહેશે અને ટાઢક થશે, શાંતિ થશે. પછી તડકા અને છાંયડામાં સરખું લાગશે. બંનેમાં આનંદ રહેશે અને ભગવાનની ભક્તિ કરીને સુખિયા રહેવાશે.
- લોકો આજે કહે છે કે ‘સંતો ભારરૂપ છે. સંતોનું શું કામ છે?તમે સમાજસેવા શું કરો છો?’ પણ મોટામાં મોટી સેવા એ છે કે માણસને સારા સંસ્કારી બનાવવા, એમના સ્વભાવ સુધારવા ને સમાજને બેઠો કરવો. સંતોએ એ કાર્ય કર્યું છે. ભલે આ સમાજસેવા દેખાય નહીં, પણ મોટામાં મોટી સમાજસેવા આ જ છે. ભણેલા-ગણેલા સંતોએ સમાજમાં જઈને કેટલાયનાં દારૂ અને વ્યસનો છોડાવ્યાં. એને કારણે ઘરમાં શાંતિ થઈ. ઘર સારાં થયાં અને સંસ્કાર આવ્યા. આજે દારૂની પાછળ પોલીસથી માંડીને કેટલાય ખર્ચા કરવા પડે છે? પણ તોય ઊંધું ને ઊંધું ચાલે છે. જ્યારે સંતોએ આવા બધાને સુધાર્યા, તો સમાજમાં શાંતિ થઈ. આ મોટામાં મોટી સેવા નથી ?
- લોકોને એમ છે કે વેપાર-ધંધામાં કે સંબંધો સાચવવામાં બાંધછોડ કરવી પડે, દારૂ કે માંસ લેવાં પડે, પણ ભલા માણસ?! લેનારને ગરજ નથી ? એને પણ પોતાનો માલ વેચવાની કે લેવાની ગરજ છે. માટે આવાં પ્રલોભનોમાં લેવાવું નહીં. ગમે ત્યાં જઈએ પણ મહારાજના નિયમ બરાબર રાખવા. વેપારમાં કે ધંધામાં માણસોને મળવું પડે, બહાર જવું પડે, એમાં શરમથી કે મિત્રતાની રીતે લેવાઈ જાય એ સારું નહીં. કરોડપતિ હોય કે અબજોપતિ, પણ એ આપણને ઓછો સાચવવાનો છે? આપણી રક્ષા કરનાર પરમાત્મા છે. માટે એમણે આપેલા નિયમો બરાબર પાળવા. આવી નિષ્ઠા અને સમજણ રાખવી.
- આ દેહ નાશવંત છે. દેહની સાથે બધું જ ઊપડી જવાનું છે, પણ ભગવાન અને સંતની જે પ્રાપ્તિ થઈ છે એ સૌથી મોટી છે. એટલે આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. જોગીબાપા કહેતા કે ‘બીજાને ભાગ્યશાળી માનો એ જ આપણી મોટી ભૂલ છે.’ હજુ આપણને અધૂરું લાગે છે કે ‘આપણું શું થશે? ’ શું થવાનું છે? ભલા માણસ?! મહારાજ-સ્વામીનો આશરો છે, નિષ્ઠા છે અને શાસ્ત્રીજી મહારાજ, જોગી-બાપા જેવા મહાન પુરુષ આપણને મળ્યા છે; આપણને એવો માર્ગ બતાવ્યો છે; જેથી કશું જ અધૂરું નથી. એટલે ‘બીજો મારાથી મોટો છે’ એમ માનીએ તો હજી જ્ઞાન જ ક્યાં થયું છે? સમજણ જ ક્યાં આવી છે? કેફ ચડી જવો જોઈએ કે ‘કોણ મળ્યા છે?!’ દારૂ પીવે તો એનો કેફ ચડે છે; બીડી, સિગારેટનો પણ કેફ ચડે છે; એ બધું તો તુચ્છ છે. પણ આપણને જે વાત મળી છે એ તો કેટલી અદ્ભુત છે ! માટે અધૂરું માનવું જ નહીં. અને આપણને જે વાત મળી છે એ બીજાને કરવી.
- આપણે સામાને અનુકૂળ થાવ, સામો અનુકૂળ નહીં થાય.
- એક અણુમાં કેટલી તાકાત છે? ! આખી દુનિયા ખલાસ કરી શકાય અથવા તો સારું સર્જન પણ કરી શકાય. અણુની એવી શક્તિ છે, પણ એના કરતાં પણ ભગવાનની શક્તિ અનંત ગણી છે. માટે ભગવાનનું બળ રાખીશું તો બધાં જ કાર્ય થશે. એમનો મહિમા સમજીને ભક્તિ, ઉપાસના અને સેવા કરીશું તો અક્ષરધામ પમાશે.
- ભગવાન અને ભગવાનના સંતમાં બધાં તીર્થ આવી જાય છે. માટે ભગવાન અને ભગવાનના સંતનો અપાર મહિમા જીવમાં સમજાય તો ફળ મળે.
- ભગવાન સબરસ છે. એની અંદર બધા જ રસો રહેલા છે.
- કેટલાક ડાહ્યા હોય એ ભગવાનની પરીક્ષા લેવા જાય, શાસ્ત્રોની વાત ખોટી કરવા જાય, મંદિરોની વાત ખોટી કરવા જાય, પણ એ કશું જ ખોટું થવાનું નથી. અને પોતે જ ખોટા ઠરે છે.
- સ્ત્રી અને ધન એ બે થકી સમાજ ચાલે છે. સ્ત્રી થકી ઉત્પત્તિ થાય છે અને ધનથી આ દુનિયાનો વહેવાર ચાલે છે. આ બંનેય બંધન ભારે છે, પણ એ બંધનમાંથી છૂટવા સંતનો સમાગમ છે.
- આ દેહે કરીને વ્યવહાર કરો, ધંધા-પાણી સારી રીતે કરો, પૈસા કમાવો, દેશ-પરદેશ જાવ એની ના નથી, પણ જીવમાં તો ફક્ત ભગવાન જ રાખો. વ્યવહાર બધો બહાર અને ભગવાન અંદર.
- પરાવિદ્યા આત્માના ઉત્કર્ષ માટે છે. કોઈને દુઃખ ન અપાય. કોઈની સાથે વેરઝેર ન થાય. કોઈનું પડાવી લેવાનું મન ન થાય. પરોપકારની વૃત્તિ વધે એ પરાવિદ્યા છે. ‘ભલે આપણે દુઃખી થઈએ, પણ બીજાનું તો સારું જ થવું જોઈએ’ – એવાં વાણી, વિચાર અને વર્તન એ પરાવિદ્યા છે.
- દેહભાવથી મુક્ત થઈને આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એ મનુષ્યદેહે કરીને સૌથી મોટું કાર્ય છે.
- આપણે ભગવાનની ભક્તિ કરવાની છે અને એ ભક્તિ નિર્દોષભાવે કરવાની છે. ભગવાનમાં કોઈ દોષ, જગત, માયા છે જ નહીં. દિવ્ય છે, કલ્યાણકારી છે, સાકાર છે અને પ્રગટ છે. ગુણાતીત સંત દ્વારા મહારાજ પ્રગટ છે. ગુણાતીત સંત મહારાજના અખંડ ધારક છે. એમનો પણ એવો મહિમા સમજાય તો એનાથી માયાપાર થઈને સુખિયા થવાય.
- ધ્રુવનો તારો અવિચળ છે, વંટોળ આવે તો પણ સ્થિર રહે; એમ આપણે ભગવાન ભજવા આવ્યા છીએ તો બધા વાવંટોળ આવવાના જ છે, પણ ભગવાન શ્રીજીમહારાજમાં સ્થિર થઈ જવાનું એટલે બધુંય એની મેળે ચાલ્યું આવશે.
- સર્વ સુખના ધામ અને પરમ શાંતિ આપનાર પરમાત્મા છે. બધું સુખ પરમાત્માથી જ આવે છે, તો એ પરમાત્માનાં દર્શન જેટલાં કરીશું એટલાં સુખ અને શાંતિ થશે.
- સહન કરીશું એટલી મહત્તા વધશે. જેણે જેણે સહન કર્યું છે એની મહત્તા વધી છે. શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બધાએ સહન કર્યું છે, તો મહત્તા વધી છે. સોનાને અગ્નિમાં તપાવો તો શુદ્ધ થાય, એમ જીવનમાં મુશ્કેલીઓની વચ્ચે સ્થિર રહીએ અને સહન કરીએ તો આગળ વધાય.
- મનમુખી થાય એ દુઃખી થાય અને ગુરુમુખી થાય એ સુખી થાય.
- અવળા સ્વભાવ મૂકવા અને સવળા સ્વભાવ રાખવા. ભગવાન ભજવાના, કથાવાર્તા કરવાના, સેવા કરવાના સવળા સ્વભાવ રાખવા.
- સાધુતા એટલે ખમવું અને ભજન કરવું.
- વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવાનું છે, એમ આ શરીર નાશવંત છે અને ગમે ત્યારે પડી જાય એ પહેલાં અક્ષરરૂપ થવાનું છે, માટે સાવધાની રાખવી. આવો સમાગમ અને મંદિરોનો લાભ જેટલો લેવાય એટલો લઈ લેવો.
- આળસ એ મોટામાં મોટો શત્રુ છે. કેટલાક બહુ જ આળસુ હોય છે. પોતાનાં કામ ઠેલે જ રાખે. કામ આવ્યું એનો તરત જ નિકાલ થઈ જવો જોઈએ, તો જ કામ વ્યવસ્થિત ચાલે. ‘કાર્ય એક મિનિટ પછી કરીશું’ એ પણ આળસ જ છે. કેટલાકને આવી આળસમાં ને આળસમાં જિંદગી પૂરી થઈ જાય છે. માટે આળસ કાઢવી. આળસ શત્રુ છે. આત્મકલ્યાણ માટે આવ્યા છીએ તો પછી ઉધારાની વાત જ ક્યાંથી હોય?
- લોકો રોજ ડાયરી લખે અને ‘રવિવારે ફલાણાને ત્યાં મળવા જવું, ફલાણું કામ કરવું’ એ બધું જ લખે, પણ ‘રવિવારની સભામાં જવું’ એવું લખતા નથી. પણ જોગીબાપાની આજ્ઞા છે એટલે અઠવાડિયામાં એક વખત રવિવારની સભામાં અવશ્ય જવું. ગમે એટલું કામ હોય તો પણ મૂકીને રવિસભામાં જવું.
- જેણે જેણે ભગવાન માટે કામ કર્યું છે એનું કામ ભગવાને કર્યું જ છે. ભગવાન માટે આપણે કરીએ તો ભગવાન આપણા માટે ન કરે? આપણું કામ સાચવી જ લે, પણ આપણને ધીરજ અને વિશ્વાસ નથી એટલે થતું નથી. માટે સત્સંગ એવો કરી લેવો જેથી કરીને આપણા અંતરમાં સુખ રહે, ધંધામાં પણ શાંતિ રહે.
- સંત પરમાર્થી છે. પરમાર્થ એટલે શું ? કે આપણાં જન્મ-મરણ ટાળીને સુખિયા કરે છે. આ લોકના હોદ્દા, અધિકાર, પૈસા એ તો કોઈક આપી શકે, પણ ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંપત્તિ, સંસ્કારરૂપી સંપત્તિ સંતો જ આપે છે. એમના જેવો પરમાર્થ બીજું કોઈ કરી શકતું નથી.
- આપણી બુદ્ધિ, શક્તિ, આવડત, ડહાપણ ભગવાન અને સંતના કામમાં આવે ને એનાથી ભગવાન રાજી થાય તો આપણો મનુષ્યદેહ સાર્થક છે. ભગવાનના કામમાં જે વપરાય છે એ બુદ્ધિ અને શક્તિ નિર્ગુણ બને છે.
- મહિમાએ સહિત નિશ્ચય દૃઢ થયો હોય તો ક્યારેય આપણું મન પાછું પડે નહીં.
- ભગવાન અને ગુણાતીત સંત થકી કલ્યાણ થાય છે. એમના વચનમાં વિશ્વાસ લાવીને ભક્તિ કરીએ તો કલ્યાણ થાય એ શાસ્ત્રમાત્રનો સાર છે.
- ભલે આપણે પરદેશમાં પૈસા કમાવા જઈએ, એનો વાંધો નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને આપણો ધર્મ ભૂલવા ન જોઈએ. આપણી સંસ્કૃતિ અને આપણો ધર્મ મહાન છે, જીવમાં એ દૃઢ થવું જોઈએ. એના માટે દરરોજ વિચાર કરવો જોઈએ. ત્યાં કલે ઊઠીને પૈસા મળશે, પણ જો ધર્મ ગયો તો બધું જ ગયું છે.
- મહિમાથી સત્સંગમાં આગળ વધાય છે અને અવગુણો ટળી જાય છે ને સદ્ગુણો આવે છે. માટે મહિમાની વાતો કરવી અને સાંભળવી, જેથી સત્સંગમાંથી પડી ન જવાય.
- પ્રેમ માણસને સુધારે છે. જેટલું હેત-પ્રીતથી માણસ સાથે કામ કરો એટલો માણસ તમારું માને, સુધરે અને સારા માર્ગે ચાલે છે, પણ જો એને તમે ટોક્યા જ કરો, વઢ્યા કરો કે મારો, તો એ વધારે બગડે છે.
- વડીલોને એટલું જ કહેવાનું છે કે આર્થિક રીતે ઉન્નતિ કરો એ સારી વાત છે. કરવી જ જોઈએ, પણ બાળકોનું પણ ધ્યાન રાખવાનું છે. બાળકોને એટલા જ સાચવવાના છે, કારણ કે બાળકો પણ તમારી સંપત્તિ છે. ભવિષ્યની એ સંપત્તિ છે. એટલે આપણા ધર્મ અને સંસ્કારો જાળવે એનું ધ્યાન તમારે રાખવાનું છે. અને એટલા માટે વડીલોએ પોતાના બાળકો માટે ટાઇમ આપવો જોઈએ. સ્કૂલો ને કૉલેજોમાં અભ્યાસ કરે છે એ સારી વાત છે, પણ ત્યાં આપણાં સંસ્કાર અને સંસ્કૃતિનું ભણાવવામાં આવતું નથી, એટલે આપણે આપણાં સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન બાળકોને આપવું. અત્યારે વડીલોને સમય નથી, એટલે બાળક જ્યારે સૂઈ ગયો હોય તે પછી આવવાનું થાય અને સવારે વહેલા નીકળી જવાનું થાય. ભેગા થવાનું થાય જ નહીં. વાતચીતનો સમય જ ન મળે, તો પછી પ્રેમ કઈ રીતે રહે? એટલે બાળકની સાથે સમય કાઢીને બેસવું, એને મળવું, એની વાતમાં ભળવું, એની વાતો સાંભળવી, એની જેમ કાલી ભાષાથી બોલવું, એની શું જરૂરિયાતો છે ? એ બધી વાતો ઘરમાં બેસીને કરવી, તો બાળકને આપણા સાથે હેત થાય. તમે એની સાથે જેટલો પ્રેમ કરશો એટલો એ તમને પ્રેમ કરશે, કારણ કે બાળકોને પ્રેમની જરૂર છે; અને આપણે જો પ્રેમ ન આપીએ તો પછી બહાર કૉલેજોમાં જઈને આડોઅવળો થઈ જશે. બીજે જ્યાં પ્રેમ મળે ત્યાં લેવાઈ જશે અને મુશ્કેલીઓ થશે.
- કોઈ જીવને મારીને જીવન જીવવું એ જીવન નથી.
- ભગવાન અને ગુણાતીત સંત જે બોલ્યા એ સત્ય છે.
- યજ્ઞ-યાગાદિકે કરીને પુણ્ય થાય ખરું, પણ અંદરનું અજ્ઞાન કાઢવા માટે સાચા પુરુષને શરણે જઈને જ્ઞાન દૃઢ કરવું જોઈએ.
- મન માંકડા જેવું છે. ઘડીક આ વિચાર કરે ને ઘડીક પેલા કરે, ક્યાંય સ્થિર ન થાય. એટલે મનને કંટ્રોલ કરવા માટે સાધુની સંગતિ જોઈએ. સાધુ આપણા મનને કંટ્રોલ કરી શકે ને ભગવાનના માર્ગે વાળી શકે છે.
- આપણા શરીરને કપડાં, ઘરેણાં, ખાવાનું જોઈએ છે, એવું ભગવાન માટે થવું જોઈએ. આપણા ઘરમાં ભગવાનનું મંદિર રાખવું. સવાર-સાંજ આરતી કરવી. આપણે જે જમતા હોઈએ એ થાળ પણ ધરાવવો. આ ભગવાન સાથેનો સંબંધ થયો કહેવાય.
- સત્સંગ એટલે સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને ચાલવું એ.
- આપણે સહન કરવું, પણ બીજાનું સારું થાય એ વિચાર રાખવો. ભલે આપણે થોડંુ દુઃખ વેઠવું પડે, પણ જો બીજાનું સારું થતું હોય તો દુઃખ વેઠીને પણ આપણે એનું સારું કરવા પ્રયત્ન કરવો જોઈએ. આપણા પાડોશીને શાંતિ હશે તો આપણને પણ શાંતિ થશે, બધાને શાંતિ થશે. જે બીજા માટે કરે છે, જે સારું કાર્ય કરે છે એને હંમેશાં શાંતિ મળે છે.
- આપણે એવું માનવાની જરૂર નથી કે ‘ભગવાને કેમ દુઃખ આપ્યું?’ ભગવાન કોઈને દુઃખી કરવા આવ્યા જ નથી. એ તો ‘બધાનું સારું થાય’ એ સંકલ્પ સાથે આવ્યા છે; પણ આપણાં કર્મ, આપણો અહં અને આપણી અંદર રહેલા દોષોને લીધે આ બધી ગરબડ થાય છે.
- જે કંઈ થાય છે એ ભગવાનની ઇચ્છાથી થાય છે. ભગવાનની ઇચ્છા ઉપર બધું ઢોળી દઈએ તો આપણને શાંતિ રહે અને સુખ રહે, અને માથે લઈને ફરીએ કે ‘મેં આ કર્યું, મારાથી આ થયું,’ તો અશાંતિ થશે અને ઝઘડા થશે. માથે પાણીનો ઘડો હોય તો ભાર લાગે, પણ પાણીમાં ડૂબકી મારો તો ઉપર ગમે એટલું પાણી હોય તોય ભાર ન લાગે. એમ માથે લઈને થોડું-ઘણું પણ કરીશું તો એનો ભાર લાગશે. ‘આ બધું મારાથી થયું, આ હું કરું છું, મારા વગર કોઈ કરી શકે નહીં,’ એવું અભિમાન કરશો તો દુઃખી થશો. જેને જેને અભિમાન આવ્યું છે એનું પતન થયું છે. માટે ભાર લઈને નહીં, પણ ભગવાનને લઈને ફરવું. ભગવાનમાં ડૂબકી મારી રાખવી, જેથી કોઈ પ્રસંગ બને તો એમને સંભારવા અને માનવું કે ‘ભગવાનની ઇચ્છા હશે એમ થયું હશે !’ તો સર્વ પ્રકારે સુખ-શાંતિ રહેશે.
- આત્મબુદ્ધિનો અર્થ જ એ છે કે કોઈ જાતનો સંશય નહીં – એમના વચનમાં નહીં, એમના કાર્યમાં નહીં કે એમની ક્રિયામાં નહીં.
- હરતાં-ફરતાં, ખાતાં-પીતાં અંતર્દૃષ્ટિ જ રાખવી કે ‘મારે બ્રહ્મરૂપ થવું છે.’ એટલી જો સ્મૃતિ કાયમ રહે તો ખરેખરું જ્ઞાન થાય.
- ખેતરમાં દાણા નાખીએ તો આડા ઊગશે, સીધા ઊગશે, ત્રાંસા ઊગશે એની કાંઈ ખબર નથી, પણ એક ખ્યાલ જરૂર છે કે ‘જમીન સાચી છે અને ખાતર-પાણી કરશું એટલે જે દાણો નાખ્યો છે એનું ડૂંડું બહાર આવવાનું જ છે.’ ખેડૂતને આ દેખાય છે, કારણ કે એમાં એને શ્રદ્ધા છે. श्रद्धा सर्वेषां माता। જેમાં શ્રદ્ધા હોય એમાં સફળતા મળે જ છે, એ હકીકત છે.
- બૅન્કમાં પૈસા મૂકવા જઈએ છીએ?ત્યારે આપણને એમ નથી થતું કે ‘આ બૅન્ક તૂટી જશે, પૈસા જશે,’ પણ ‘પૈસા વ્યાજ સાથે પાછા મળશે’ એ વિશ્વાસ છે તો લાભ થાય છે. એમ મંદિરો સાચાં છે અને અંદર બેઠેલા ભગવાન પણ સાચા છે, એ વિશ્વાસ સાથે કામ કરીએ તો ફળ મળે.
- આ દુનિયામાં માણસને પ્રેમ અને હેત થઈ જાય તો એ મય થઈ જાય છે. એની જ લગની – ખાતાં-પીતાં, હરતાં-ફરતાં, સૂતાં-બેસતાં એના જ વિચારો આવ્યા કરે. એમ જેને ભગવાનની લગની લાગી છે, આ સત્સંગની લગની લાગી છે, એને ખાતાં-પીતાં ભગવાનના જ વિચારો આવવા જોઈએ. દરેકની અંદર એ જ દેખાય, કારણ કે દૃષ્ટિ એવી થઈ છે.
- ભગવાનની કોઈ પરીક્ષા ન હોય. ભગવાન છે એટલે છે જ. એમાં બીજો વિચાર ન હોય. સોનું છે એટલે છે જ, એમાં શંકાનું કોઈ કારણ નથી. એમ ભગવાનના સ્વરૂપમાં કોઈ શંકા ન થવી જોઈએ. જો શંકા ન થાય તો એનું સુખ મળે.
- ભગવાન સર્વત્ર છે, દરેકમાં રહેલા છે, સર્વનું કલ્યાણ કરવા આવ્યા છે, પણ ભગવાન આપણા જેવા થાય એટલે એવાં ચરિત્ર કરે – આપણી જેમ જ ખાય, પીવે, સૂવે, એટલે એમ થઈ જાય કે ‘આમાં નવીન શું છે બધું આપણા જેવું જ છે.’ પણ ના, આપણું સ્વરૂપ ને એમનું સ્વરૂપ બહુ જુદું છે, એ દિવ્ય છે.
- આ બેઠા એ અક્ષરધામની સભા. અહીં સંસાર નથી. અહીંથી બહાર નીકળો એટલે સંસાર છે. અહીં તો અક્ષરધામની સભા છે. કથાવાર્તા, કીર્તન થાય છે ને બધા કેટલા આનંદમાં છે ! અહીં માયા નથી. ભગવાન અને સંત જ્યાં હોય ત્યાં માયા નથી, અને એ તો માયા હોય તોય કાઢીને અક્ષરધામમાં લઈ જાય છે.
- કોઈપણ જાતનું માન ન આવે એવી રીતે ભક્તિ થાય તો ભગવાન રાજી થાય છે. ભક્તિ શ્રદ્ધાએ સહિત અને ઈર્ષ્યાએ રહિત કરવાની છે. એનું અનંત ગણું ફળ મળે છે. જે કંઈ કરીએ એ આપણા કલ્યાણ માટે છે. બીજો ભલે આપણાથી વધારે કરે કે ઓછું કરે, પણ ઈર્ષ્યા ન કરવી. ભગવાનના કાર્ય માટે કરવાનો આ અવસર મળ્યો છે, તો આજ્ઞા પ્રમાણે આપણે કરવાનું છે.
- બાપ-દાદાની મિલકત જેમ સાચવીએ છીએ, એનો વધારે ને વધારે વિકાસ થાય એવો વિચાર હંમેશાં કરીએ છીએ; એમ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિરૂપી સંપત્તિ, સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય વગેરે સંપત્તિ અને સંસ્કારોનું પણ કાયમ જતન કરવાનું છે.
- ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, શિવ અને મહાન આચાર્યો તથા શુક-સનકાદિક જેવા સંતોએ એક નીચોડ આપ્યો છે કે ‘આ ભગવાનનો માર્ગ સાચો છે. ભગવાને આપેલા આદેશો સાચા છે. શાસ્ત્રોમાં કહેલી વાત સાચી છે. એ માર્ગે ચાલવાથી આપણું જીવન ધન્ય બને છે અને આ લોક ને પરલોકમાં શાંતિ પ્રાપ્ત થાય છે.’
- જ્યાં વિકાસ થાય ત્યાં રાજી રહેવું, પણ બીજાનો ઉત્કર્ષ જોઈને ઈર્ષ્યાભાવ રાખવો ને કુરાજી થવું એમાં દુઃખ છે અને એ આસુરી વૃત્તિ છે.
- માણસની કિંમત એનાં વચન-પાલન કરવાની ટેવ અને ચારિત્ર્યમાં છે. પત્નીની ફરજ છે કે પતિના સુખે સુખ અને પતિના દુઃખે દુઃખ. આ આપણા સંસ્કાર છે. સુખ-દુઃખ તો આવવાનાં જ છે, પણ સુખ-દુઃખમાં સાથે રહેવું જોઈએ. જીવન સારધાર પાર ઊતરવું જોઈએ. આ વાત આપણને રામાયણ જેવા ગ્રંથોમાંથી શીખવા મળે છે.
- સંતો પાસે કોઈ પૈસા નથી, પણ ભગવાનરૂપી સંપત્તિ, ધર્મરૂપી સંપત્તિ અને સંસ્કારરૂપી સંપત્તિ સંતો આપે છે. એનાથી જીવન ધન્ય બને છે. માણસ સર્વ પ્રકારે સુખી બને છે. દેશકાળ અને મુશ્કેલીમાં ધીરજ અને બળ મળે એવા સંસ્કાર સંતો આપે છે.
- એક વખત વાંચી નાખ્યું ને વાંચીને પછી નાખી દીધું એ શું કામ આવ્યું ? વાંચ્યા પછી વિચાર કરે તો જ સાર હાથ આવે.
- ભગવાન અને ભગવાનના ભક્તનાં ચરિત્રો વાંચવાં, સાંભળવાં ને જીવમાં ઉતારવાં, એનાથી શાંતિ થાય. એનાથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ બધી વાતો આવી જાય. આ રીતે રોજ વાંચીએ તો દૃઢ થાય.
- હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તો સાવધાનીપૂર્વક મહેનત કરવી પડે, અને મહેનત કરે તો ડિગ્રી પ્રાપ્ત થાય. તો આ તો બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરવી છે. તો એના માટે અંદરથી જગતના, માયાના, ખાવા-પીવાના કે મનના બધા મનસૂબા મૂકી દેવા પડે. આત્મારૂપ થવું કઠણ તો પડે, પણ અંદરથી ઓતપ્રોત થઈ જઈએ, એમાં માન-અપમાન થાય, ખોટ જાય, તોય પાછા ન પડીએ તો એ જ્ઞાન સિદ્ધ થાય છે.
- મોટાપુરુષની આજ્ઞા પળે એટલી શાંતિ. આત્મારૂપ થવાનું મુખ્ય સાધન પણ એ જ છે કે મોટાપુરુષની આજ્ઞા પળે તો આત્મદર્શન થાય. વાત કરવી સહેલી છે, પણ એ પ્રમાણે વર્તન કરવું એ મોટી વાત છે.
- છોકરાને હેત અને પ્રેમથી બોલાવો તો બાપ રાજી થાય છે, એમ સંતને જો રાજી કરો તો ભગવાન રાજી થઈ જાય.
- માંસ આપણો ખોરાક નથી. આપણે શાકાહારી છીએ. પશુ કે કોઈપણ નાના-મોટા જીવને મારીને ન ખવાય. એ પણ જીવે અને આપણે પણ જીવીએ. ગાયને આપણે ભારતીયો માતા કહીએ છીએ. માતાને મારીને આપણે જીવવાનું હોય ખરું ? માતાનો આપણા પર કેટલો ઉપકાર છે?! પશુઓને પણ જ્યારે મારે ત્યારે કેટલા તરફડે છે ? કરોડો ને અબજો માણસો શાકાહાર ઉપર જીવે છે અને સારી રીતે કાર્ય કરી શકે છે. તો પછી બીજાને મારવાની શી જરૂર ? પશુ અને વનસ્પતિ સાથેનો આપણો સંબંધ અરસપરસ છે. વૃક્ષો આપણને આૅક્સિજન આપે છે, છતાં એને કાપી નાખીએ તો એમાંથી નુકસાન આપણને જ થાય છે. આ બધું સમજીએ અને જાણીએ છીએ છતાં એને મૂકી શકતા નથી, કારણ કે આસક્તિ છે.
- વ્યસન એ રાક્ષસ છે. વ્યસન કરવાથી વહેલા જતા રહીએ છીએ. વ્યસન વગર માણસ જીવી શકે છે. વ્યસનોથી કોઈ કાર્ય થતું નથી અને થવાનું પણ નથી.
- સંત નિર્ભય હોય છે. એને કોઈ લાલસા, કોઈ ઇચ્છા, કોઈ મહત્તા નથી, એને રાજસત્તા પણ જોઈતી નથી, પછી રાજાની પણ શું કામ પરવા હોય ? ગમે એટલી સત્તા હશે પણ ભગવાન આગળ એનો કોઈ હિસાબ નથી. મહાન સંતોએ પોતાના દેહની પણ પરવા કરી નથી, પછી એને કોણ નમાવી શકે? સંતો આપણી સંસ્કૃતિના વારસદાર છે. આપણે આવી સંસ્કૃતિના વારસદાર છીએ, એને વરેલા છીએ, એ ખુમારી રહેવી જોઈએ.
- ધર્મ-નિયમમાં બાધ આવતો હોય તો એમાં શૂરવીરતા રાખવી.
- સત્સંગમાં આવ્યા અને માન-સન્માન ન મળ્યું તો એની ચિંતા ન કરવી. આપણે અહીં ભગવાન માટે આવ્યા છીએ. આપણે પોતાના કલ્યાણ માટે આવ્યા છીએ. આ સમજણ હશે તો કોઈનો અવગુણ નહીં આવે. માણસ છે એટલે સ્વભાવ તો રહેવાના, પણ આપણે પાછી વૃત્તિ વાળીને વિચારવું કે ‘મેં આ કર્યું છે શા માટે? ભગવાન માટે.’ એટલે કદાચ એવો કોઈ હોય તો એને ન ગણતાં આપણા મનમાં ઉત્સાહ, ઉમંગ, પ્રીતિ, સંપ, સુહૃદભાવ, એકતા રાખીને જો કામ કરીશું તો આપણા જીવને આનંદ થશે.
- લોકો એમ માને છે કે ‘આ મંદિરો કર્યાં છે એ પથરા ખડક્યા છે ને આ પથરા શું કામ કરે ?’ પણ આ પથરા નથી ખડક્યા. પથરામાં રહીને ભગવાન બોલે છે અને દરેકને પ્રેરણા આપે છે. આ બધી જ વસ્તુ ચૈતન્ય છે, કારણ કે એને ભગવાનનો સંબંધ થયો છે. ભગવાન ચૈતન્ય અને દિવ્ય છે, તો એના સંબંધે બધું દિવ્ય બને છે.
- છોકરાને અભ્યાસમાં પ્રોત્સાહન આપો છો, એ જ રીતે મંદિરમાં આવવા માટે પણ પ્રોત્સાહન આપો ને તમે પણ જાવ. તમે જશો તો છોકરાને પ્રેરણા મળશે. દરેક મા-બાપે પોતાની ફરજ સમજીને પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા. બાળકને સાચવશો તો બાળક આપણને સાચવશે.
- ગમે તે ભગવાનને માનતા હોઈએ કે ગમે તે ભગવાનની ભક્તિ કરતા હોઈએ, પણ દરેક શાસ્ત્રમાં એક જ લખ્યું છે કે ‘સાચા સંત મળે તો ભગવાનની પ્રાપ્તિ થાય અને ભગવાનને વિષે ભક્તિ થાય.’ ભગવાન ભજવાની સાચી રીત સાચા સંતો બતાવે છે.
- ઝાડને તો મૂળ છે, પણ દેહને કોઈ મૂળ નથી; ગમે ત્યારે મૃત્યુ થાય. માટે એક અનુસંધાન રહેવું જોઈએ કે ‘એક દિવસ આ બધું મૂકીને જવાનું છે.’ સંસાર સાચો દેખાય છે, પણ આંખ મીંચાય પછી બધું ખોટું છે. પાંચ મિનિટનું સ્વપ્ન આવે એમ આ સિત્તેર વર્ષનું સ્વપ્ન છે, એમ માનીને ભગવાનનો આશરો કરીએ તો સુખ અને શાંતિ રહે.
- જીવનમાં જેટલી ભગવાનની ભક્તિ, જેટલી શ્રદ્ધા અને જેટલો ભગવાન તરફનો આદર હશે, એટલું આપણા જીવની અંદર પરિવર્તન થશે.
- ગમે એટલા પૈસા મળે, ગમે એટલી સમૃદ્ધિ મળે, ગમે એટલી મોટાઈ મળે તોય દુઃખ રહેવાનું, કારણ કે દુઃખ ખોટી અને મોટી અપેક્ષાઓમાં છે. અપેક્ષા હોય એટલે ગમે એટલું મળે તોય ઓછું લાગે. બીજાનું જુએ એટલે પોતાનું ઓછું લાગે – ‘મારા કરતાં એનો બંગલો સારો છે. મારા કરતાં એની પાસે પૈસા વધારે છે. મારા કરતાં એની સમૃદ્ધિ વધારે છે. મારા કરતાં એનો હોદ્દો મોટો છે.’ આવું મનમાં રહ્યા કરે. એટલે સહેજે જ દુઃખ રહ્યા કરે. પણ એમ ન જાણે કે ‘એને ભગવાનની ઇચ્છાથી મળ્યું છે અને મને પણ જે મળ્યું છે એ ભગવાનની ઇચ્છાથી જ છે.’ આવું માને તો સંતોષ રહે અને શાંતિ રહે.
- સંત-સમાગમથી આત્માનું જ્ઞાન થાય, અને ત્યારે મનનું દુઃખ મટી જાય છે.
- ગામમાં મંદિર થાય તો વળી લોકો એમ કહે કે ‘આટલાં બધાં મંદિરોની જરૂર શું છે ? એક મંદિર કર્યું તો ચાલે.’ પણ આટલા મોટા શહેરમાં કેસીનો કેટલા બધા હોય છે ? બાર કેટલા બધા હોય છે ? એના માટે કંટાળો આવે છે ? એનાથી તો નુકસાન છે, છતાં કોઈ બોલતું નથી, તો પછી ભગવાનનાં મંદિરો થાય એમાં વાંધો શું છે ? એકના બે થાય ને બેના હજાર થાય તોય સારી જ વાત છે. એમાંથી લાભ જ થવાનો છે.
- જે ખરો ભક્ત હોય એને વિચાર આવે જ નહીં કે ‘હું આટલી ભક્તિ કરું છું, આટલો સત્સંગ કરું છું, આટલી સેવા કરું છું ને છતાં મને જ કેમ મંદવાડ આવ્યો ?’ એને તો એક જ વૃત્તિ રહે કે ‘મહારાજની ઇચ્છા. એમની ઇચ્છાથી જે થતું હશે એ આપણા કલ્યાણ માટે છે. મને શરીરમાં આસક્તિ હશે એટલે રોગ મૂકીને પણ ભગવાન મારી કસર ટાળે છે. સંસારમાં બંધન ન થાય એના માટે ભગવાન આવું કરે છે.’ આવી સમજણ ખરો ભક્ત રાખે છે. આ સમજણ ન હોય તો સત્સંગ મૂકીને ચાલ્યા જાય કે ‘લ્યો, તમારી કંઠી ને તમારી માળા.’ આપણે સત્સંગ મૂકીશું એમાં ભગવાનને ખોટ નહીં આવે. જે ખરેખરા ભક્ત થાય એની જ પરીક્ષા લેવાય છે.
- દેહનો વહેવાર ન સાચવીએ તો સંસારમાં મુશ્કેલી ઊભી થાય, અને આત્માનો વ્યવહાર ન સમજીએ તો સંસારનાં દુઃખના ઢગલામાંથી ઊંચા આવી શકીએ નહીં. માટે બેયનું બૅલેન્સ કરતાં શીખવું. આ જ્ઞાન એના માટે છે.
- દેહનો વ્યવહાર કરવો, પણ એમાં રાત-દિવસ ઓતપ્રોત થઈને એના જ વિચારો કરવાની જરૂર નથી.
- સો અવગુણમાં એક ગુણ પણ સારો હોય તો એને ગ્રહણ કરી લેવો ને બીજા નવ્વાણું અવગુણો મૂકી દેવા, તો આગળ વધાશે.
- ભગવાનનો મહિમા સમજાશે તો આપણું બધું જ અભિમાન ચાલ્યું જશે. આપણા સ્વભાવ-દોષ ચાલ્યા જશે.
- ભગવાનનું કર્તાપણું અખંડ રાખવું, નહીં તો માન આવી જાય કે ‘મેં કર્યું અને મારાથી થયું.’ માન આવે તો પડ્યા હેઠા, પછી માલ ન રહે, કારણ કે અવગુણ આવે, અભાવ આવે. એમ થાય કે ‘અમને પૂછ્યું નહીં.’ ભાઈ ! પૂછવાનું શું છે ? આપણે તો ભગવાન ભજવા આવ્યા છીએ. કેવળ કલ્યાણ માટે સત્સંગમાં જોડાયા છીએ. હોદ્દા-અધિકાર માટે ક્યાં આવ્યા છીએ ?
- અવગુણ લેવો હોય તો આપણામાં કેટલા અવગુણ પડ્યા છે ? ક્રોધ આવી જાય છે, ઈર્ષ્યા આવી જાય છે એને જુઓ ને ! બીજાનું શું કરવા જોવું ?
- લીંબડો કડવો હોય કે સડી ગયો હોય તો પણ ભગવાનનો સંબંધ થયો હોય તો એને પગે લાગીએ છીએ અને એની સામે બીજી રીતે જોતા નથી, એમ હરિભક્તોમાં પણ કાંઈક દોષ જેવું લાગે તો એને જોયા કરતાં એને સંબંધ થયો છે, મોટાપુરુષ સાથે હેત થયું છે ને સેવા કરે છે, એ જ જોવાનું છે. મહિમા હશે તો કામ થશે.
- દરરોજ ખાઈએ છીએ એટલે ‘આજે નથી ખાવું’ એવો વિચાર આવે છે ખરો ? ઓફિસમાં ફાઈલો એની એ જ ચાલતી હશે. દુકાનમાં ઘરાક આવે ત્યારે એનો એનો જ માલ બતાવવાનો થતો હશે, છતાં કંટાળો આવે છે ? કારણ શું છે કે એમાંથી કમાણી થવાની છે એમ મનાઈ ગયું છે. એ જ રીતે ભજન કરવામાં કંટાળો ન લાવવો. નિયમ-ધર્મ રાખવામાં પણ કંટાળો ન લાવવો. સત્સંગ કરવામાં પણ કંટાળો ન લાવવો.
- આજે ઘણા ધર્મો ધર્મ-પરિવર્તન કરે છે, પોતાના ધર્મમાં ખેંચવાની વાત કરે છે, પણ આપણે એવું નથી. એને તમે એવો ઉપદેશ આપો, એવું જ્ઞાન આપો અને એવી સમજણ આપો કે એ સારા માર્ગે ચાલે. એનું જીવન સુધરે એ જ મોટું પરિવર્તન છે. લાલચ આપીને ધર્મ-પરિવર્તન કરાવીને માણસ વધારવાની વાત નથી. અમે ધર્મ-પરિવર્તનની વાત કરતા જ નથી. એને સંસ્કાર આપીએ છીએ કે જેથી એના દુર્ગુણો જાય ને એના જીવનનું પરિવર્તન થાય. જીવમાંથી દોષ, સ્વભાવ, અવગુણો એ બધું નીકળે.
- ભગવાનની પ્રાપ્તિ થવી, જ્ઞાન થવું ને એ માર્ગે ચાલવું એ કાંઈ સહેલી વાત નથી. બહુ જન્મનાં પુણ્ય હોય ત્યારે આવો જોગ થાય છે. માટે એ પ્રાપ્તિનો કેફ હંમેશાં રાખવો.
- ખોળિયું તો પડી રહેવાનું છે, પણ અનંત કાળથી જે જન્મ-મરણ ચાલ્યા કરે છે, એમાંથી છૂટવાની બારી તો ભગવાન અને સંત બે જ છે. ભગવાનનો આશરો કરીને સારી રીતે એમની ભક્તિ કરવી અને સંત પાસેથી જ્ઞાન શીખવું.
- પોતાને જે પ્રાપ્તિ થઈ છે, જે સત્સંગ થયો છે, એ બીજાને પણ થાય એનો વિચાર કરવો. ધંધામાં એક દુકાનથી લાભ થાય તો બીજી કરીએ છીએ, એમ આપણને આ પણ લાભ થયો છે તો બીજાને પણ એ લાભ થાય એ પ્રયત્ન કરતા રહેવું. દુનિયાની વાતોમાં જેટલો ઉત્સાહ છે એટલો ઉત્સાહ સત્સંગની વાતમાં પણ રાખવો.
- ભગવાનનો આનંદ આવી જાય, ભગવાનનું જ્ઞાન થઈ જાય, એટલે જગત ખોટું થઈ જાય.
- જગતમાં મોહ અને મમતા છે ત્યાં સુધી અપ-ડાઉન થયા કરશે. અપ-ડાઉન એટલે શું ? પૈસા મળે તો અપ અને પૈસા જાય તો ડાઉન. દીકરા મરી ગયા તો ડાઉન. પણ જો ભગવાનને કર્તા સમજીએ તો અપ-ડાઉન આવે નહીં.
- કેટલીક વાર ઘરે મહેમાન આવ્યા હોય તો એમ થઈ જાય કે ‘રવિવારની સભામાં નહીં જવાય. એની સાથે બેસવું પડશે.’ મહેમાનને ખોટું ન લાગે એટલા માટે આપણે રવિસભામાં જતા નથી. તો પછી ભગવાનને ખોટું નહીં લાગે ? જેણે આપણને જન્મ આપ્યો છે, જેણે આપણને બુદ્ધિ-શક્તિ આપી છે, એના માટે આપણે નહીં કરીએ તો ખોટું નહીં લાગે ? જે ખરેખરા નિષ્ઠાવાળા હરિભક્ત છે, એ તો મહેમાન આવ્યા હોય એને પણ કહી દે કે ‘ચાલો, રવિવારની સભા છે. તમને પણ દર્શન થશે ને લાભ થશે.’
- આપણે અત્યારે જાગીએ છીએ, હાલીએ છીએ ને ચાલીએ છીએ, છતાં મડદા જેવા જ છીએ. મડદા જેવા એટલે શું કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી અને આત્મા-પરમાત્માની સમજણ નથી આવી, ત્યાં સુધી મડદા જેવા જ છીએ, અજ્ઞાની છીએ. એટલે જ શાસ્ત્રો કહે છે કે ‘આત્મા-પરમાત્માની પ્રાપ્તિ કરો, એના માટે ઊઠો અને ઊભા થાવ, મહાન પુરુષોની પાસે જાવ. મહાન પુરુષો આપણને નિશાન બતાવે છે અને નિશાન સુધી લઈ જાય છે.’
- આખી જિંદગી બીજું-ત્રીજું કર્યું હોય એટલે અંતકાળે આખી ફિલ્મ દેખાય ને ગભરામણ થાય. પછી જીવ જાય જ નહીં, તરફડિયાં માર્યા કરે. પણ એવા સમામાં મહારાજનાં દર્શનની સ્મૃતિ થાય તો પેલું દુઃખમાત્ર ટળી જાય ને ભગવાનના ધામમાં જતો રહે, એટલી મોટી આ પ્રાપ્તિ છે.
- અભ્યાસ કરવાથી ડિગ્રી મળે છે, વેપાર કરવાથી પૈસા મળે છે, એમ આપણને દેખાય છે, પણ સત્સંગમાં જવાથી શું લાભ ? એમ પ્રશ્ન રહ્યા કરે. પણ જો નિશાળમાં શિક્ષક ભણાવે એ પ્રમાણે કરીએ તો લાભ થાય છે. એમ સત્સંગ પણ આધ્યાત્મિક સ્કૂલ છે, એમાં વિશ્વાસ રાખીને વાતોને જીવમાં ઉતારીએ તો લાભ થાય. સત્સંગમાં શ્રદ્ધા અને વિશ્વાસ બેય જોઈએ. શ્રદ્ધા હોય તો કામ મૂકી ન દે, મંડ્યો રહે.
- સત્સંગમાં આવ્યા અને માન-સન્માન ન મળ્યું તો એની ચિંતા ન કરવી. આપણે અહીં ભગવાન માટે આવ્યા છીએ. આપણે પોતાના કલ્યાણ માટે આવ્યા છીએ. આ સમજણ હશે તો કોઈનો અવગુણ નહીં આવે. માણસ છે એટલે સ્વભાવ તો રહેવાના, પણ આપણે પાછી વૃત્તિ વાળીને વિચારવું કે ‘મેં આ કર્યું છે શા માટે? ભગવાન માટે.’ એટલે કદાચ એવો કોઈ હોય તો એને ન ગણતાં આપણા મનમાં ઉત્સાહ, ઉમંગ, પ્રીતિ, સંપ, સુહૃદભાવ, એકતા રાખીને જો કામ કરીશું તો આપણા જીવને આનંદ થશે.
- આપણે શ્રીજીમહારાજ અને સ્વામીનો કેફ રાખવો. આપણે સ્વામી… મહારાજ… સ્વામી… મહારાજ… એમ કેફ રાખવો. બીજો બધો કેફ તો ઠીક છે. આપણે મહારાજ-સ્વામીની કથાવાર્તા, ભજન-ભક્તિ થાય એ કેફ રાખવો.
- બધું કરો, પણ ભગવાન ન ભુલાય તે જોવાનું છે.
- ભગવાન શ્રીજીમહારાજની ઇચ્છા હોય તેમ થાય છે. આપણું ધાર્યું થતું નથી. ભગવાન અને ગુરુની ઇચ્છા મુજબ આપણું જીવન ચાલે છે.
- અમે તો દાન કરવા જ આવ્યા છીએ – ભગવાનનું દાન !
- રોજ પ્રાપ્તિનો વિચાર કરવો. પ્રાપ્તિનો કેફ કાયમ રાખવો. રોજ સાંખ્ય વિચાર કરવો. ‘હું આત્મા છું’ એમ માનીને જીવવું.
- બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણઃ । શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા એટલે આપણે બ્રાહ્મણ.
- સત્પુરુષમાં આત્મબુદ્ધિ થઈ જાય પછી આગળ વધતાં વધતાં ‘આપણે કંઈ છીએ નહીં. આ તો બધું ભગવાનનું છે. આ બધું આપણું છે નહીં.’ એમ મનાઈ જાય. એમ કરતાં કરતાં, ‘હું આત્મા છું’ એમ માની ભગવાનની સેવા-ભક્તિ કરવી.
- કોઈ આપણને ડફોળ કહે તો તે સહન કરી લઈએ ને કંઈ ન બોલીએ, તો તે આપણી મોટી સેવા થઈ ગઈ.’
- ભગવાનને આપણે જેટલું દઈશું એટલું ભગવાન આપણને આપશે. નિરંતર ભગવાને આપેલું જ છે આપણને…
- સ્વભાવ ટાળવા માટે તો ભગવાન અને સંત આવ્યા છે.
- પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ જ ધર્મ.
- ખપમાં આવે એ જ્ઞાન.
- અપેક્ષા વિના બીજા માટે ઘસાઈ છૂટવું એ વૈરાગ.
- દરેક કાર્યમાં પ્રભુના કર્તાપણાનું અનુસંધાન એ ભક્તિ.
- ભગવાનની આજ્ઞામાં ન વર્તે એ અધર્મ.
- સત્પુરુષ કહે એ પ્રમાણે જ વર્તવું છે એવી ભાવના એ સમાગમ.
- અંદરના ખોટા ભાવો કાઢે ને ભગવાન વધારે સાંભરે એ બ્રહ્મરૂપ થવાની દીક્ષા.
- દુનિયાના વાતાવરણમાંથી ભગવાનના વાતાવરણમાં આવ્યા એ જ ફ્રેશ(Fresh).
- ભવિષ્યની ચિંતા મૂકીને વર્તમાનનો વિચાર કરે એ જ પ્રોગ્રેસ (Progress).
- સુખે ભજન થાય એ સારો દેશ.
- ભગવાન અને સંતને જાણવા, સમજવા, અને રાજી કરવા એ જ બુદ્ધિ.
- આસુરી વૃત્તિ નીકળે ને દૈવી વૃત્તિ થાય એ મૃત્યુને જીતેલો છે.
- રુચિ પ્રમાણે વર્તાય એ આત્મબુદ્ધિ.
- અહંથી કરે એ તમોગુણી ક્રિયા. લૌકિક ઇચ્છાથી કરે એ રજોગુણી ક્રિયા. ભગવાનને સંભારીને કરે એ સત્ત્વગુણી ક્રિયા. કેવળ પ્રસન્નતા માટે કરે એ નિર્ગુણ ક્રિયા.
- ભગવાનને અખંડ ધારે એ ધર્મકુળ.
- હંમેશાં સત્પુરુષ સાંભરે, એનાં દર્શન અને ગુણ ગાવાનું મન થયા કરે તો ઇન્દ્રિયોને બ્રહ્માગ્નિમાં હોમી કહેવાય.
- જીવનમાં સંયમ અને આત્મજ્ઞાન આવે એ જ સાચો વિકાસ.
- ધ્યેયમાં દૃઢતા અને વિશ્વાસ એ જ પ્રગતિ.
- ધ્યેયમાં શંકા અને વિલાસ એ જ અવનતિ.