એ આધ્યાત્મિક પરંપરા,
જેનું વહન કરવાનું ઉત્તરદાયિત્વ તેમણે જીવનભર નિભાવ્યું છે….

પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ (1781-1830 CE)

ભગવાન સ્વામિનારાયણને એ સમયના સામાજિક અગ્રણીઓ, ઇતિહાસવિદો અને આધુનિક ઇતિહાસકારોએ એક અજોડ સમાજસુધારક અને આધ્યાત્મિક મહાપુરુષ તરીકે ગણાવ્યા છે. બ્રિટિશ કે ભારતીય, હિન્દુ અને મુસ્લિમ કે ખ્રિસ્તી, વગેરે 19મી સદીના તમામ સ્તરની પ્રસિદ્ધ વ્યક્તિઓએ સમાજમાંથી અંધશ્રદ્ધા અને વહેમને નિર્મૂળ કરવામાં ભગવાન સ્વામિનારાયણના પ્રદાનને અહોભાવથી બિરદાવ્યું છે. અનેકવિધ સામાજિક સુધારાઓની સાથે તેમણે તમામને ઊંચ-નીચના ભેદભાવને બદલે આત્મદૃષ્ટિ દ્વારા સમતાથી નીરખવાનું શીખવ્યું; તેમણે શિક્ષણ આપીને મહિલાઓનું સશક્તીકરણ કર્યું; તેમણે બાળહત્યા અને સતીપ્રથા બંધ કરાવ્યાં; તેમણે યજ્ઞમાં પશુબલિની પ્રથા બંધ કરાવી અહિંસામય યજ્ઞો કરાવ્યા; અને વ્યસનમુક્તિનું એક આંદોલન ચલાવ્યું. ભગવાન સ્વામિનારાયણે માત્ર ભૌતિક રીતે સામાજિક સુધારાઓ કર્યા એવું નથી, પરંતુ શ્રદ્ધા, આધ્યાત્મિકતા, સદાચાર, પ્રામાણિકતા વગેરે ગુણોનું સિંચન કરીને તેમણે આધ્યાત્મિક દૃષ્ટિ આપીને સમાજનું પરિવર્તન કર્યું. તેમણે ભક્તિ, ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યનું સંયોજન શીખવીને સર્વાંગ સંપૂર્ણ એકાંતિક ધર્મનું પ્રસ્થાપન કર્યું. તેમની હયાતીથી લઈને આજ દિન પર્યંત અસંખ્ય હરિભક્તોએ તેમની પરબ્રહ્મ પરમાત્મા તરીકે ઉપાસના કરી છે, અને એ ઉપાસના દ્વારા લાખો ભક્તો આજેય એમની દિવ્ય ઉપસ્થિતિ અને મુક્તિનો દિવ્ય આનંદ અનુભવે છે.
ભગવાન સ્વામિનારાયણના દિવ્ય જીવનની સમયરેખા
પ્રાગટ્ય: વિક્રમ સંવત 1837, ચૈત્ર સુદ 9; સન 1781, 3 એપ્રિલ છપૈયા (અયોધ્યા, ઉત્તરપ્રદેશ)
દેહોત્સર્ગ: વિક્રમ સંવત 1886, જ્યેષ્ઠ વદ 10; સન 1830, 1 જૂન, ગઢડા (જિ. ભાવનગર, ગુજરાત)
જીવનક્રમ: 7 વર્ષની ઉંમરે વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કર્યું. 10 વર્ષની ઉંમરે કાશીમાં શાસ્ત્રાર્થ-વિજય કર્યો.
11 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સકલ ભારત તીર્થાટન-પ્રારંભ કર્યું. 14 વર્ષની ઉંમરે નેપાળનાં જંગલોમાં અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો.
18 વર્ષની ઉંમરે 7 વર્ષની કઠિન તપોયાત્રા અને સકલ ભારત તીર્થાટનની પૂર્ણાહુતિ ગુજરાતમાં કરી.
21 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામીની આધ્યાત્મિક ધુરા સંભાળી.
25 વર્ષની ઉંમરે એક સાથે 500 શિષ્યોને પરમહંસ-દીક્ષા પ્રદાન કરી.
29 વર્ષની ઉંમરે ક્રાંતિસર્જક સમાજ-સુધારાઓના જ્યોતિર્ધર બન્યા.
41 વર્ષની ઉંમરે 6 શિખરબદ્ધ મંદિરોના નિર્માણનો પ્રારંભ કર્યો. 45 વર્ષની ઉંમરે શિક્ષાપત્રીનું લેખન કર્યું.
49 વર્ષની ઉંમરે ગુણાતીત સંતપરંપરા દ્વારા પ્રગટ રહેવાનું અભયવચન આપી દિવ્ય અક્ષરધામમાં પ્રયાણ કર્યું.

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી (સન 1785-1867)

ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની અનુગામી ગુણાતીત ગુરુપરંપરાના પ્રથમ ગુરુદેવ હતા.
પશ્ચિમ ગુજરાતમાં ભાદરા ગામે એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ગુણાતીતાનંદ સ્વામી 25 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણના હસ્તે દીક્ષિત થયા હતા.
ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમને પોતાના અનન્ય શ્રેષ્ઠ ભક્ત અને સાક્ષાત્ અક્ષરબ્રહ્મના અવતાર તરીકે અનેક વખત ઓળખાવ્યા હતા.
અનેક સદ્ગુણો અને પરમ ઐશ્વર્યથી સંપન્ન હોવા છતાં જીવનભર તેઓ એક વિનમ્ર સેવક અને શ્રેષ્ઠ ભક્ત તરીકે સૌનો આદર્શ બની રહ્યા હતા. તેઓ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપ અને તેમના તત્ત્વજ્ઞાનના પ્રખર ઉદ્ઘોષક હતા. આધ્યાત્મિક અજ્ઞાન દૂર કરીને અનેકને દિવ્ય અનુભૂતિ કરાવવાનું ભગવાન સ્વામિનારાયણે આરંભેલું કાર્ય તેમણે અનેકશઃ આગળ ધપાવ્યું હતું. પવિત્ર ગ્રંથ ‘સ્વામીની વાતો’માં તેમનો અજોડ આધ્યાત્મિક બોધ ગ્રંથસ્થ થયો છે, વિશ્વભરમાં વસતા લાખો હરિભક્તો આજેય શ્રદ્ધાપૂર્વક તેનું નિયમિત પઠન કરીને આધ્યાત્મિક પ્રેરણાઓથી ધન્ય બને છે.

બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ (સન 1829-1897)

ગુણાતીતાનંદ સ્વામીના અનુગામી ભગતજી મહારાજ ભગવાન સ્વામિનારાયણની અનુગામી ગુણાતીત ગુરુપરંપરાના દ્વિતીય આધ્યાત્મિક ગુરુદેવ હતા. મુક્તિ અને સત્યને પામવા ઝંખતા મુમુક્ષુઓ માટે સમર્પણ અને સેવાભક્તિના તેજસ્વી ઉદાહરણ સમા ભગતજી મહારાજનો જન્મ પશ્ચિમ ગુજરાતમાં મહુવા ગામે એક દરજી પરિવારમાં થયો હતો. સમર્પિત ભાવે ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની મન-કર્મ- વચને સેવા કરીને તેઓ યુવાન વયે દુર્લભ બ્રહ્મવિદ્યા પામીને પરમાત્માનો સાક્ષાત્કાર પામ્યા હતા. તત્કાલીન સમાજમાં વર્ણવ્યવસ્થાની જડતાભરી માનસિકતા હોવા છતાં, સામાન્ય ગણાતા દરજી પરિવારમાં જન્મેલા ભગતજી મહારાજની ભક્તિ, સેવા, સમર્પિતતાને લઈને ગુણાતીતાનંદ સ્વામીએ તેમને પોતાના આધ્યાત્મિક અનુગામી દર્શાવ્યા. અનેક અપમાનો અને અડચણો વચ્ચે પણ તેમણે અક્ષરબ્રહ્મના ઉદ્ઘોષમાં કોઈ ખામી ન રાખી. તેઓ એક સાધુ તરીકે દીક્ષિત ન હોવા છતાં, તેમણે બ્રહ્મચર્યનો માર્ગ સ્વીકાર્યો હતો. તેમની સર્વોત્તમ આધ્યાત્મિક પ્રતિભાથી ગૃહસ્થો અને સાધુ-સંતો પણ તેમનાથી પ્રભાવિત હતા. અક્ષર-પુરુષોત્તમના સ્વામિનારાયણીય તત્ત્વજ્ઞાનને અનુસરનારા સૌ કોઈને ભગતજી મહારાજે વચન આપ્યું હતું કે ‘હું તમારો દેહભાવનો મોહ ઉતારીને તમને બ્રહ્મભાવનો દિવ્ય ડગલો પહેરાવીશ.’
અને તેમના એ વચનને સાકાર થતાં અનેકે સદેહે પ્રત્યક્ષ અનુભવ્યું હતું.

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ (સન 1865-1951)

ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક શાસ્ત્રીજી મહારાજનો જન્મ ચરોતર પ્રાંતમાં મહેળાવ ગામે એક પાટીદાર પરિવારમાં થયો હતો.
બાળપણથી જ પ્રખર બુદ્ધિ-ચાતુર્ય અને અપ્રતિમ દિવ્ય ઐશ્વર્ય ધરાવતા શાસ્ત્રીજી મહારાજને તેમની બાળવયે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. તેમણે ભાખેલા વચન મુજબ, 18 વર્ષ સુધી પરિવારજનો સાથે રહીને તેમણે ગૃહત્યાગ કર્યો. 12 વર્ષ સુધી ભગવાન સ્વામિનારાયણની સેવામાં રહેલા વિજ્ઞાનાનંદ સ્વામીએ તેમને દીક્ષા અપાવી સ્વામી યજ્ઞપુરુષદાસજી નામ ધારણ કરાવ્યું. ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો યોગ થયો અને તેમને ગુરુ તરીકે સ્વીકારીને તેમણે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત અક્ષર-પુરુષોત્તમના વૈદિક તત્ત્વજ્ઞાનને દૃઢ કર્યું. એ જ ક્ષણથી તેઓ ભગવાન સ્વામિનારાયણના આ વેદોક્ત ઉપાસના સિદ્ધાંતને પ્રવર્તાવવા માટે કટિબદ્ધ થયા હતા.
તેમનું વ્યક્તિત્વ પ્રખર પ્રભાવશાળી હતું. ક્ષેત્ર સાધુતાનું હોય કે વિદ્વત્તાનું, કાર્ય ખેતીનું હોય કે મંદિર સ્થાપત્યનું, કલા વક્તૃત્વની હોય કે નેતૃત્વની, તેઓ સર્વ ક્ષેત્રે અનુપમ કૌશલ્ય ધરાવતા હતા. ગમે તેવાં કષ્ટો અને અપમાનો વચ્ચે તેમનું દૃઢ મનોબળ, ગમે તે ભોગે પણ સત્ય અને સિદ્ધાંતમાં સમાધાન ન કરવાની તેમની દૃઢતા, અને કોઈપણ સંજોગોમાં સાચી વાત કહેવાનું તેમનું સ્પષ્ટવક્તાપણું વગેરે અજોડ હતાં. એવા પ્રભાવક વ્યક્તિત્વ સાથે તેમણે ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત પ્રવર્તાવવા માટે તમામ સુખ, સગવડો, સન્માનો અને સલામતીને ત્યજી દીધાં હતાં. અપમાનો અને તિરસ્કારોને સાધુતાપૂર્વક સહન કરીને તેમણે શુદ્ધ ઉપાસના-સિદ્ધાંતના પ્રવર્તન માટે સન 1907માં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના કરી. પાંચ પાંચ ભવ્ય અક્ષરપુરુષોત્તમ મંદિરોનું નિર્માણ કરીને તેમણે આવનારી અનેક પેઢીઓને મુક્તિનો સાચો માર્ગ ચીંધ્યો છે.

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ (સન 1892-1971)

ચતુર્થ આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજે સૌરાષ્ટ્રના ધારી ગામે એક લોહાણા વેપારી પરિવારમાં જન્મ લીધો હતો. જન્મજાત આધ્યાત્મિક ગુણોથી સંપન્ન યોગીજી મહારાજે 16 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે દીક્ષા લીધી અને સાધુ જ્ઞાનજીવનદાસજી નામ ધારણ કર્યું. નિરંતર સેવા, સતત ભક્તિમય જીવન અને તેમના મુખારવિંદ ઉપર અહર્નિશ છલકતી દિવ્ય પ્રફુલ્લિતતાને કારણે તેઓને 'યોગી'ના લાડીલા નામથી સૌ પુકારવા લાગ્યા. તેમની અકલ્પનીય સહનશીલતા, તપસ્યા, વિનમ્રતા અને એવા અનેક સદ્ગુણો સૌ કોઈને પ્રભાવિત કરતા હતા. સહિષ્ણુતાની સાથે ક્ષમાભાવનાનો જાણે સાગર લહેરાતો હતો. તેમની નિંદા કરનારા કે તેમના ઉપર જુલમ કરનારાને પણ ક્ષમા આપીને તેમણે આશીર્વાદ વરસાવ્યા. એક દીર્ઘદ્રષ્ટા મહાપુરુષ તરીકે તેમણે બાળ-યુવા પ્રવૃત્તિનો આરંભ કરીને અનેકનું ભવિષ્ય ઉજાળ્યું. ગામડે ગામડે અને નગરે નગરે ઘૂમીને તેમણે લાખોને સત્સંગની પ્રેરણા આપી, તેમની પ્રેરણાથી ઠેર ઠેર સત્સંગકેન્દ્રો ઊર્જાથી ઊભરાવાં લાગ્યાં.
એમના નિઃસ્વાર્થ પ્રેમ અને સદા પ્રફુલ્લિત વ્યક્તિત્વને એકાદ વખત પણ માણનાર વ્યક્તિ જીવનભર એને વીસરી ન શકે, એવી એમની અજોડ પ્રતિભા હતી.
સૌના હિત માટે પ્રત્યેક પળ પ્રાર્થના કરતા અને સ્વામિનારાયણ મંત્ર રટતા યોગીજી મહારાજનું જીવનસૂત્ર હતું : 'ભગવાન સૌનું ભલું કરો.'

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ (1921-2016)

પ્રમુખસ્વામી મહારાજ એટલે ‘બીજાના ભલામાં આપણું જ ભલું છે…!’ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હૂંફ આપનાર એક વિરલ સંતવિભૂતિ. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ વિશ્વવંદનીય સંતે નિર્વ્યાજ વાત્સલ્યવર્ષામાં બાળકો, યુવાનો, વૃદ્ધો, ભણેલા કે અભણ, દેશ કે વિદેશના સૌ કોઈને ધન્ય કર્યા હતા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેકવિધ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિના સૂત્રધાર સ્વામીશ્રીએ, કઠિન પુરુષાર્થથી એક વિરાટ ચારિત્ર્યવાન સમાજ ખડો કર્યો છે. 17,000થી વધુ ગામોમાં વિચરણ; 2,50,000થીય વધુ ઘરોની મુલાકાત; 7,00,000થીય વધુ પત્રોનું લેખન; કરોડોની વ્યક્તિગત મુલાકાત વગેરે દ્વારા આ મહાન સંતે અસંખ્યનો જીવન-ઉત્કર્ષ કર્યો છે. અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો સ્થાપ્યાં છે. ભારત અને વિશ્વના અનેક દેશોમાં અનેક કુદરતી આપત્તિઓમાં તારાજ થયેલા લોકો માટે આ કરુણામૂર્તિ સંતની કરુણા વહી છે. એટલે જ, આંતરરાષ્ટ્રીય ધુરંધરોથી લઈને આદિવાસી સુધીના અસંખ્ય લોકોએ તેમને હૃદયપૂર્વક ચાહ્યા છે. સાધુતાના શિખર સમાન આ મહાન સંતની વિરાટ સિદ્ધિઓનું રહસ્ય એટલે પરમાત્માનો સાક્ષાત્કાર. અસંખ્યોએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ અધ્યાત્મ-શિખર પ્રાપ્ત કર્યું છે.
પ્રાગટ્ય: વિક્રમ સંવત 1978, માગશર સુદ 8, બુધવાર, 7-12-1921 ચાણસદ, ગુજરાત
દેહોત્સર્ગ: વિક્રમ સંવત 2072, શ્રાવણ સુદ દશમ શનિવાર, સાંજે 6-00 વાગે, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સારંગપુર, ગુજરાત

પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ (જન્મ : તા. 13-9-’33, જબલપુર, મધ્ય પ્રદેશ)

પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે બિરાજમાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ એક વિરલ સંતવિભૂતિ છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પુરોગામી ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સન 1961માં તીર્થધામ ગઢડા ખાતે એક સાથે 51 સુશિક્ષિત નવયુવાનોને દીક્ષા આપ્યા બાદ નવદીક્ષિતોના મહંત તરીકે તેમને નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘મહંતસ્વામી’ના નામે વિશેષ આદરણીય બન્યા. તપ, વ્રત, સંયમ, ભક્તિ, સાધુતા, વિનમ્રતા, સરળતા ને બુદ્ધિમત્તા વગેરે અનેક સદ્‌ગુણો અને સેવામય જીવનથી તેઓ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની સતત પ્રસન્નતા પામતા રહ્યા. પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની અનેક સેવા-પ્રવૃત્તિઓમાં નેતૃત્વ પૂરું પાડીને તેમણે સેવકભાવે અનન્ય સેવાઓ આપી છે. સંસ્થાના વિરાટ આંતરરાષ્ટ્રીય મહોત્સવો, અક્ષરધામ જેવાં મહાન સર્જનો, બાળ-યુવા પ્રવૃત્તિઓ વગેરેમાં તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. તેમનાં ગહન ચિંતનશીલ વ્યાખ્યાનોએ લાખો લોકોને આધ્યાત્મિક પ્રેરણાઓ આપી છે; તેમની ભગવન્મય પ્રતિભા અને સાધુતાએ સંતો, હરિભક્તો અને અસંખ્ય ભાવિકોનાં જીવન પર ઊંડો પ્રભાવ પાથર્યો છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા ગુરુદેવ તરીકે બિરાજીને તેઓ પ્રમુખસ્વામી મહારાજે વિસ્તારેલાં વિરાટ આધ્યાત્મિક અને સામાજિક કાર્યોના સૂત્રધાર તેમજ લાખો આબાલવૃદ્ધ ભક્તોના ગુરુદેવ બન્યા છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પગલે પગલે તેઓ, બી.એ.પી.એસ.ના અસંખ્ય ભક્તો-ભાવિકોને ભગવાન શ્રી સ્વામિનારાયણે ચીંધેલા આધ્યાત્મિક માર્ગે વેગ આપી રહ્યા છે.